મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

રૂ. પાંચ લાખની ચોરીમાં ભત્રીજો આરોપી નીકળ્યો

       જામનગરમાં લંઘાવાડ ઢાળિયા નજીક આવેલી બાજરીયા બ્રધર્સ નામની પેઢીનાં સંચાલકના ઘરમાંથી ગત્ ૨૨ મીએ રૂ. પાંચ લાખની રોકડની ચોરીની ફરિયાદ પછી સિટી બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વાઢેરની ટીમે જામનગરથી મુંબઈ જતી એક ટ્રાવેલ્સ બસમાંથી આરોપી સરફરાઝ હુશેન આંબલિયા નામનાં મજૂરને રૂ. પાંચ લાખની રોકડ, આધારકાર્ડ તથા પાનકાર્ડ સાથે ઝડપી લીધો છે. આરોપીએ પોતાનાં કૌટુંબિક કાકાનાં ઘરમાં ચોરી કરી હોવાનું અને તેનો આ મુદામાલ હોવાનું પોલીસે જાહેર કર્યું છે.

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

જામનગરથી પસાર થતી ૬ ટ્રેનો હંગામી ધોરણે રદ્

ફાઇલ ચિત્ર      જામનગરથી પસાર થતી ઓખા-શાલિમાર, પોરબંદર-શાલિમાર તથા પોરબંદર- સાંતરાગાચ્છી ટ્રેન બિલાસપુર બલોકના કારણે રદ્ કરવામાં આવી છે. આ ટ્રેનો કયારે પૂર્વવત્ કરવામાં આવશે ? તે અંગે રેલવે પૂછપરછ વિભાગનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.  

તળાવને ' સૌની' યોજનાનાં પાણીથી ભરવામાં આવશે....

ફાઇલ ચિત્ર      આ વર્ષે પણ જામનગરની મધ્યમાં આવેલું તળાવ હજુ સુધી પૂર્ણ ભરાયું નથી. ઉપરવાસમાં ઓછાં વરસાદને કારણે પૂરતું પાણી ન આવતાં હજુ ૩૦-૪૦ ટકા જેટલાં પાણીની ઘટ હોય , આગામી દિવસોમાં ' સૌની ' યોજનાની પાઈપ લાઈન મારફત તળાવમાં પાણી ઠાલવવામાં આવશે, એમ જળસંપત્તિ વિભાગના કાર્યપાલક ઇજનેર એસ.એસ.હરદયાએ જણાવ્યું છે.  

શેઠવડાળા સહકારી મંડળીની મિલ્કતો સીલ !

પ્રતિકાત્મક ચીત્ર      જામનગર જિલ્લા સહકારી બેંકે લાંબા સમયથી જામજોધપુર તાલુકાનાં શેઠવડાળાની સહકારી મંડળી પાસેથી રૂ. ૫૦ લાખ હિસાબ પેટે લેવાનાં થતાં હતાં પરંતુ આ મંડળીનાં હોદેદારો દ્વારા આ અંગે કશી કાર્યવાહી કરવામાં ન આવતા અંતે જિલ્લા સહકારી બેંક દ્વારા સહકારી મંડળીની રૂ. ૫૦ લાખની મિલકતો ( એક ગોડાઉન તથા એક દુકાન) સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા સહકારી બેંક દ્વારા અન્ય ત્રણ સહકારી મંડળીઓનુ સાહિત્ય કબ્જે લેવામાં આવ્યું છે.  

આંતરશાળા રાસ ગરબા સ્પર્ધા યોજવામાં આવી

     જામનગર મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા  તા. 21 અને તા. 22 ના રોજ આંતર શાળા રાસ ગરબા હરીફાઈ ટાઉનહોલ ખાતે યોજવામાં આવી હતી.      આ રાસ ગરબા સ્પર્ધામાં કુલ 2  વિભાગમાં સમિતિ સંચાલિત 44 શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં વિભાગ-1 માં 21 શાળાઓએ ભાગ લીધો હતો , જેમાં કુલ 8 કુમાર ની કૃતિ અને 12 કન્યાઓ ની કૃતિ અને એક મિશ્ર કુમાર - કન્યા સહિત  કુલ 292 બાળકોએ પરંપરાગત પોશાક પહેરી કૃતિ રજૂ કરી હતી. તારીખ 22 ના રોજ વિભાગ 2 માં આંતરશાળા સ્પર્ધામાં કુલ 20 કૃતિઓ રજૂ કરાઈ હતી જેમાં 7 કુમાર કૃતિ 13 કન્યાઓએ  પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ કૃતિઓ રજૂ કરી હતી અને કુલ 274 બાળકોએ રાસ ગરબા હરીફાઈમાં ભાગ લીધો હતો.      વિભાગ-1 માં શાળા નંબર 44/ 51/ 40/ 60 27 /10 કુલ છ શાળા ની કૃતિ નું સિલેક્શન કરવામાં આવ્યું હતું. તેમજ વિભાગ -૨ માં શાળા નંબર 20 /29/ 18/ 11/ 12 /31 કુલ 6 શાળાનું સિલેક્શન કરવામાં આવ્યું હતું. આ તમામ 12 કૃતિઓ  તારીખ 25  ને રવિવારના રોજ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંજે 5:00 વાગ્યે શહેરના અગ્રણીઓની ઉપસ્થ...

વરણા, જગા તથા મેડી ગામના ચેકડેમ-તળાવો નર્મદા નીરથી ભરવામાં આવ્યા

     વરણા, જગા તથા મેડી ગામના ચેકડેમો તથા તળાવો નર્મદા નીરથી ભરવામાં આવતાં ગ્રામજનો દ્વારા નર્મદા નીર વધામણાનો કાર્યક્રમ તથા કૃષિ મંત્રી  રાઘવજીભાઈ પટેલનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો      આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ  ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન  ભરતભાઈ બોરસદિયા, શિક્ષણ સમિતિના ચેરમેન  લખધીરસિંહ જાડેજા, સિંચાઈ સમિતિના ચેરમેન  વિનુભાઈ વાડોદરિયા, જાડાના પૂર્વ ચેરમેન  દિલીપસિંહ ચુડાસમા, તાલુકા પંચાયત પ્રમુખ  હસુભાઈ ફાચરીયા,  આગેવાનો રમેશભાઈ મુંગરા, ડો.સૂર્યકાંતભાઈ મઢવી, ડો. વસોયા તથા  આસપાસના ગામોના સરપંચો તથા બહોળી સંખ્યામાં વિસ્તારના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.  

જામનગરમાં મહામતિશ્રી પ્રાણનાથજીનો 405 મો ત્રિદિવસીય પ્રાકટ્ય મહોત્સવ

     જામનગર શહેરની સુપ્રસિદ્ધ ધાર્મિક સંસ્થા શ્રી 5 નવતનપુરીધામ , ખીજડા મંદિરમાં તા . 23 સપ્ટેમ્બર, 2022 થી 25 સપ્ટેમ્બર, 2022 દરમિયાન ત્રિદિવસીય મહામતિશ્રી પ્રાણનાથજીના પ્રાકટ્ય મહોત્સવના ઉપલક્ષ્યમાં ધાર્મિક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે .જામનગર શહેર શ્રી પ્રાણનાથજીની જન્મભૂમિ અને કર્મભૂમિ છે .      મહામતિશ્રી પ્રાણનાથજીનો જન્મ જામનગરમાં વિક્રમ સંવત 1675 ભાદરવા વદ ચૌદશને રવિવાર ( 6 સપ્ટેમ્બર - 1618 ) ના રોજ જામરાજાના દીવાન કેશવરાયજીને ત્યાં થયો હતો . તેઓએ જામનગરથી પન્ના ( મ.પ્ર .) સુધી ધર્મયાત્રા  કરી સામાજિક જાગૃતિ , ધાર્મિક ચેતના અને રાજનીતિ ક્ષેત્રે નવા ક્રાંતિકારી મૂલ્યો પ્રસ્થાપિત કર્યા હતાં. ધર્મપ્રચાર યાત્રા દરમ્યાન 18758 ચોપાઈઓ પ્રકટી હતી. તેમનું સંકલન “ શ્રી તારતમ સાગર’’માં થયું છે . માનવીના આધ્યાત્મિક ઉત્થાનની સાથો-સાથ સમાજ સુધારણાનો ઉપદેશ આપી વિશ્વ ધર્મની બુનિયાદ ખડી કરી ભારતીય સંસ્કૃતિની ભવ્યતાને વિશ્વ કલ્યાણના મહાન સંદેશ દ્વારા વ્યક્ત કરી માનવ જાતને સાતા આપવાનો પ્રયત્ન કર્યો હતો .      પ્રતિવર્ષે મહામતી શ્રી પ્રાણનાથજીન...

સફાઇના ફોટાઓ ખેંચાવતા મહાનુભાવો સમક્ષ નગરજનોની રજૂઆત

     વડાપ્રધાનનાં જન્મદિન નિમિત્તે તાજેતરમાં મેયર અને કમિશનર સહિતના મહાનુભાવોએ સફાઇના ફોટાઓ પડાવ્યા હતા. ત્યારબાદ ગુલાબનગર નજીકનાં મોહનનગર આવાસના રહેવાસીઓએ અંજલિ ન્યૂઝ ને પોતાના વિસ્તારમાં ફોટાઓ મોકલ્યા છે અને લખ્યું છે કે, મહાનુભાવો આ વિસ્તારમાં ગંદકી અને રખડતાં પશુઓનાં ભયાનક ત્રાસ અંગે ધ્યાન આપતાં નથી. આ વિસ્તારમાં કોર્પોરેટરો નિષ્ક્રિય હોવાનું લોકોએ કહ્યું છે. આ વિસ્તારમાં ત્રણ મુખ્ય રોડની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. લોકોનો આક્રોશ એવો છે કે, મહાનુભાવો ફોટા પડાવવા સિવાય કશું કરતાં નથી. લોકોની સમસ્યાઓ અંગે ધ્યાન આપવું જોઈએ. મહાનુભાવો દેખાડો કરી રહ્યા છે, એવો પણ આક્ષેપ નગરજનોએ કર્યો હતો.      મોહનનગર આવાસ નજીક ઓમ રેસિડેનસી સહિતના વિસ્તારોમાં આ પ્રકારની સમસ્યાઓ લાંબા સમયથી ચાલી આવે છે, અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી. છતાં કોર્પોરેશન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધ્યાન આપતાં નથી એવી નારાજગી લોકો વ્યક્ત કરી રહ્યા છે.  

રૂ. ૫૧૭ લાખનાં કામો તથા ખર્ચને મંજૂરી આપતી સ્ટેન્ડિંગ કમિટી

     જામનગર કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન મનિષ કટારિયા નાં અધ્યક્ષસ્થાને ગુરૂવારે કમિટીના સભાખંડમાં યોજાઇ હતી જેમાં મેયર તથા કમિશનર અને સભ્યો હાજર રહ્યા હતા.      આ બેઠકમાં કોન્ટ્રાકટરો માટે કામોના સ્ટાર રેટ મંજૂર કરવામાં આવ્યા હતાં. શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓનાં સમારકામ તથા મજબૂતીકરણ માટે રૂ. ૧૫૩ લાખ, કાલાવડ નાકા બહાર કલ્યાણ ચોકથી મોરકંડા બ્રિજ સુધીનો રોડ પહોળો કરી ડામરનો રોડ બનાવવા રૂ. ૧૩૩ લાખ, વિવિધ વિસ્તારોમાં રોડનાં તથા સ્પીડ બ્રેકર નાં કામો માટે રૂ. ૧૧૮ લાખ, ૧૦ ઇએસઆર નાં ઓપરેશન તથા જાળવણી માટે રૂ. ૩૧.૩૮ લાખ, લાલપુર રોડ નજીક કીર્તિ પાનથી ડીપી રોડ તરફ સિમેન્ટની બોક્સ કેનાલ માટે રૂ. ૮૧.૮૯ લાખ મંજુર કરવામાં આવ્યા હતાં.      આ ઉપરાંત દરેક કોર્પોરેટરને ૧૦-૧૦ LED લાઈટ ફીટીગ તથા પદાધિકારીઓને ૫૦-૫૦ લાઈટ ફાળવવા નિર્ણય કરવામાં આવ્યો હતો.

ડ્રગ્સ કેસમાં એક આરોપીને મુંબઈથી લાવવામાં આવ્યો...

     જામનગર SOG હાલમાં એક ડ્રગ્સ કેસની તપાસ કરી રહ્યું છે. પીઆઇ બી એન ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગરચરની ટીમ આ ડ્રગ્સ કેસમાં એક આરોપીને મુંબઈથી જામનગર લાવી છે.      આરોપીનું નામ ફહીમ ઉર્ફે મેપ મોહમ્મદસલીમ શેખ છે અને તે મુંબઈમાં નાગપાડા વિસ્તારનો રહેવાસી છે. આ આરોપીની સોંપણી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરી આપવામાં આવી છે.

કોંગ્રેસનાં પ્રભારીઓ જામનગરમાં

     પ્રદેશ કોંગ્રેસમાંથી  પ્રભારી  રામકિશન ઓઝા તેમજ રાજ્યસભા ના સાંસદ નારણ રાઠવા અને   સિદ્ધાર્થ  પટેલે કાલે ગુરુવારે  સાંજે 6/30 વાગે  સરકીટ હાઉસ ખાતે કોન્ગ્રેસના સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી હતી. જેમાં જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ જીવણભાઈ કુંભરવાડિયા તથા શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા જાડેજા તથા અન્ય આગેવાનો અને કોર્પોરેટરો હાજર રહ્યા હતા. ચૂંટણી દાવેદારી સંબંધી વાતચીત થઈ હતી.  

પોલીસકર્મીઓનો વિદાયમાન સમારોહ યોજાયો

     તાજેતરમાં જામનગર પોલીસવડા પ્રેમસુખ ડેલું દ્વારા ૩૨૯ પોલીસકર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી હતી. જેમાં જામનગર સિટી-એ ડિવિઝન દરબાગઢ પોલીસ ચોકી ના હેડ.કોન્સ્ટેબલ ગિરિરાજસિંહ જાડેજા ની ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે બદલી,  કોન્સ્ટેબલ દશરથસિંહ પરમાર ની સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી તેમજ કોન્સ્ટેબલ વિપુલભાઇ બુધસી  ની સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવેલ છે.      આ ત્રણેય પોલીસકર્મીઓએ પોતાનાં કાર્યકાળ  દરમિયાન પોલીસ સ્ટે.ખાતે નોંધાયેલ કેસો જેવા કે, વિશાળ જથ્થામાં દારૂ પકડ્યાના તેમજ રાત્રીના સમયે મોટાપાયે રમાતા જુગાર તેમજ ટેબલ પર કાનૂની કામગીરી કરી બહોળા પ્રમાણમાં લોક ચાહના મેળવી અને કાયદાના રક્ષક તરીકેની ફરજો બજાવી હતી.      ત્યારબાદ, સિટી-એ ડિવિઝન દરબાગઢ પોલીસ ચોકી પીએસઆઈ એન.વી.હરિયાણી અને સમગ્ર સ્ટાફ દ્વારા બદલી પામેલાં આ ત્રણેય પોલીસ કર્મીઓ નું પુષ્પગુચ્છ વડે  સન્માન કરવામાં આવ્યું હતું. પીએસઆઈ એન.વી.હરિયાણીની બદલીનો પણ હુકમ થયો છે.  

સર્કીટ હાઉસમાં સાપ નીકળતા રેસકયૂ

    જામનગરમાં લાલ બંગલા સર્કલ અંદર આવેલાં સર્કીટ હાઉસ બાજુમાં લાંબા સમયથી નવાં બની રહેલાં બિલ્ડીંગ ખાતે કાલે ગુરૂવારે એક કોબ્રા નીકળતાં, વનખાતાના અધિકૃત સાપ પકડનાર ( લાખોટા નેચર કલબ સભ્ય) દિવ્યેશ જેઠવાએ આ સાપનું રેસકયુ કર્યું હતું.  

કોર્પોરેશનની વેરાશાખાની કામગીરી

     જામનગર મહાનગરપાલિકા, મિલ્કત વેરા શાખા દ્વારા વોર્ડ નં.૧૯ માં કુલ-૬ બાકીદાર આસામીઓ કે જેઓનો મિલ્કત વેરો કુલ રૂ.૧,૨૨,૯૯૭/- બાકી રોકાય છે, જે આસામીઓની રૂબરૂ સ્થળ મુલાકાત લઇ બાકી વેરો ભરપાઇ કરવા માટે જાણ કરવામા આવેલ છે.       તદઉ૫રાંત, વોર્ડ નં.ર માં ૧ (એક) આસામી પાસેથી રૂ.૨૨,૯૯૦/-, વોર્ડ નં.૮ માં ર (બે) આસામી પાસેથી રૂ.૧૯,૧૬૧/-, વોર્ડ નં.૯ માં ૧ (એક) આસામી પાસેથી રૂ.૩૦,૨૦૦/-, વોર્ડ નં.૧૩ માં ર (બે) આસામી પાસેથી રૂ.૪૫,૯૦૩/- અને વોર્ડ નં.૧૭ માં ૧ (એક) આસામી પાસેથી રૂ.૨૬,૭૪૪/- સહિત કુલ-૭ (સાત) આસામીઓ પાસેથી સ્થળ ૫ર રૂ.૧,૪૪,૯૯૮/-ની વસુલાત  કરવામાં આવેલ છે. 

જામનગર જિલ્લાની મતદાર યાદી સંબંધીત સમીક્ષા બેઠક યોજાઇ

     જામનગરમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના રોલ ઓબ્ઝર્વર - જી.પી.સી.બી. ગાંધીનગરના ચેરમેન  આર.બી.બારડના અધ્યક્ષ સ્થાને મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2022 અંતર્ગત જિલ્લા કલેક્ટર  ડો. સૌરભ પારધી તેમજ જામનગર, દેવભૂમિ દ્વારકા તથા પોરબંદર જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી જેમાં  બારડે મતદાર યાદીને લગતા વિવિધ માપદંડોની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.      બેઠકમાં રોલ ઓબ્ઝર્વર બારડે ઉપસ્થિત વિવિધ જિલ્લાના ચૂંટણી અધિકારીઓ પાસેથી હાલના મતદારયાદી સુઘારણા કાર્યક્રમ દરમ્યાન મહિલા મતદારોની નોંધણી, જિલ્લાના જેન્ડર રેશિયોમાં થયેલ સુધારો, વસ્તી ગણતરીમાં નોંંધાયેલ કુલ વસ્તી તેમજ મતદારયાદીમાં નોંધાયેલા મતદારો મુજબ ઈ.પી. રેશિયોમાં થયેલ સુધારો, ૧૮-૧૯ તેમજ ૨૦-૨૯ વયજૂથના યુવા મતદારોની નોંધણીમાં થયેલ વધારો વગેરે જેવી મતદાર યાદી સંબંધીત વિગતો મેળવી હતી તેમજ તબક્કા વાર દરેક માપદંડો ચકાસી વિવિધ જિલ્લાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરી, લક્ષ્યાંકો સહિતની બાબતે માર્ગદર્શન પૂરું પાડી જરૂરી સૂચનો કર્યા હતા...

હાઈવે પર દૂધનું વાહન અટકાવવામાં આવ્યું...

     આજે ૨૧ મી સપ્ટેમ્બર, ગુજરાત સરકારનાં સૂચિત પશુ નિયંત્રણ ખરડાના વિરોધમાં સમગ્ર રાજ્યમાં પશુપાલકો અને દૂધનાં ધંધાર્થીઓએ " આજે દૂધ બંધ " એવું એલાન આપ્યું છે. આ બંધને સફળ બનાવવા કેટલાંક શખ્સોએ કાલે મંગળવારે રાત્રે લાલપુર બાયપાસ ચોકડી નજીક અમૂલ કંપનીનાં દૂધનાં વાહનને અટકાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ કારણસર પોલીસ ઘટનાસ્થળે સમયસર પહોંચી જતાં આ વાહનને સલામત રીતે મુક્ત કરવામાં આવ્યું હતું. આ પ્રકરણમાં કોઈની અટકાયત કરવામાં આવી હોય, એવું જાહેર થયું નથી.  

ચાર લાંચિયા અધિકારીઓ ઝડપાઈ ગયા

     ગુજરાતનાં લાંચ રૂશ્વત વિરોધી તંત્રએ કાલે મંગળવારે સુરત, વડોદરા, મહિસાગર અને ભરૂચ એમ કુલ ચાર જિલ્લાઓમાં લાંચના છટકા ગોઠવી કુલ ચાર સરકારી અધિકારીઓને ઝડપી લીધાં છે. સૌરાષ્ટ્ર ગુજરાત સહિત દેશભરમાં લાંચ પ્રથા દાયકાઓ જૂની છે. પ્રત્યેક સરકારી વિભાગો માં જ્યાં પણ નાણાંકીય લેવડદેવડ થતી હોય અથવા નાણાં મંજૂર કરવાની જેઓની સતા હોય તેવાં અધિકારીઓ અને કર્મચારીઓ બેફામ ભ્રષ્ટાચાર કરે છે તે આપણે સૌ જાણીએ છીએ. ઉચ્ચ અધિકારીઓ આ પ્રકારની ભ્રષ્ટ પ્રવૃત્તિઓ શા માટે ચલાવી લ્યે છે ? તે પણ તપાસનો વિષય લેખાવી શકાય. સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારને નાથવામાં સરકારનો પન્નો ટૂંકો પડી રહ્યો છે. એસીબી ની કાર્યવાહી ઓ છતાં પ્રત્યેક કચેરીઓમાં વિવિધ પદ્ધતિઓ દ્વારા બેફામપણે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. દર વર્ષે મહેસૂલ વિભાગ તથા પોલીસ વિભાગ ભ્રષ્ટાચારમાં પ્રથમ અને બીજાં ક્રમે રહે છે !! અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં નવા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ જેહાદ આરંભી હતી. પછી ગુજરાત સરકારે તેઓનું મંત્રીપદ છીનવી લીધું !  

ચોખાનાં ૩૧૭ બાચકા સાથે બે શખ્સો ઝડપાયા

     જામનગર SOG એ બે શખ્સોને ચોખાનાં ૩૧૭ બાચકા ( ૧૭,૦૭૦ કિલો) સાથે ઝડપી લીધા છે. આ જથ્થાને શક પડતી મિલકત તરીકે કબજે લેવામાં આવ્યા છે. ઇન્ચાર્જ પીઆઇ બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગરચરની ટીમે આ કામગીરી કરી હતી. નવા પીઆઈ આવ્યા પછી આ પ્રકારની કામગીરી પ્રથમ વખત થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર માં ઘણાં વર્ષોથી પંજાબી સહિતનાં પરપ્રાંતિય શખસો કોઈ પણ પ્રકારના બિલ આધારો વિના શેરીએ શેરીએ ચોખાનું વેચાણ કરતાં જોવા મળે છે.      આ બંને શખ્સો રાજકોટ નાં છે. એકનું નામ મયંક અશોક સોજિત્રા અને બીજાનું નામ વૈભવ મનસુખ પાનસુરીયા છે. આ શખ્સો દરેડ જીઆઇડીસી વિસ્તારમાં થી ઝડપાયા છે. રાજકોટનાં આ શખ્સો અત્રે ગોડાઉન ભાડે રાખી તેમાં આ ધંધો કરી રહ્યા હતા.  

નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઈનનો જામનગરમાં આરંભ

       કાલે મંગળવારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા તથા કમિશનર વિજય ખરાડી વગેરેએ શિક્ષણ સમિતિ હસ્તકની શાળા નં. ૪૬ ખાતે ત્રણ શાળાઓનાં બાળકોને વિવિધ રમતો રમાડી હતી. આ રમતો પૈકી લીંબુ ચમચી રમતમાં ચેરમેન અને કમિશનર પણ સામેલ થયાં હતાં. રસ્સા ખેંચ અને કોથળા દોડ સહિતની રમતો રમાડવામાં આવી હતી. ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને શારીરિક ફીટનેસ અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ તકે સાંસ્કૃતિક સમિતિનાં ચેરપર્સન હર્ષાબા જાડેજા, વોર્ડ નંબર ૧૪ નાં નગરસેવિકાઓ શારદાબેન વીંઝુડા, શોભનાબેન પઠાણ તથા શિક્ષણ સમિતિના સભ્ય બિમલભાઈ વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.      અત્રે ઉલ્લેખનીય છે કે, ૩૬ મો નેશનલ ગેમ્સ મહોત્સવ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરત, રાજકોટ અને ભાવનગર ખાતે રમાશે. જેમાં જામનગર નો સમાવેશ કરવામાં આવ્યો નથી, જામનગર માં માત્ર અવેરનેસ (જનજાગૃતિ) કેમ્પેઈન હેઠળ સ્થાનિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

કોર્પોરેશનમાં હંગામી કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર

          જામનગર કોર્પોરેશનમાં પાછલાં નવ વર્ષથી અંદાજે ૧૭ જેટલાં કર્મચારીઓ કેન્દ્ર સરકારની યોજના દીનદયાળ અંત્યોદય યોજના તથા રાષ્ટ્રીય શહેરી આજિવિકા મિશન હેઠળ કામ કરી રહ્યા છે. આ કર્મચારીઓને નવ વર્ષથી પગારવધારો આપવામાં આવ્યો નથી. પગાર પણ અપૂરતો આપવામાં આવે છે. આ કર્મચારીઓનો સમાવેશ કોર્પોરેશનનાં મહેકમમાં કરવામાં આવ્યો નથી એટલે કે તેઓને ઉપલક કર્મચારીઓ ગણવામાં આવે છે. આ બધાં મુદ્દા પર મેનેજરો અને સમાજ સંગઠક કર્મચારીઓએ  મંગળવારે કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું.  

આંગડિયા લૂંટમાં ફરિયાદી જ આરોપી: ઝડપાઈ ગયો....

     તાજેતરમાં જામનગરમાં દરબારગઢ નજીક આવેલી ઈશ્વર બેચર નામની આંગડિયા પેઢીમાં રૂ. પાંચ લાખની ચોરી થઇ છે એવી જાહેરાત પછી આ પેઢીનો ફરિયાદી કર્મચારી હરિસિંહ આણદાજી વાઘેલા ખુદ જ આરોપી છે એવું બે દિવસ પહેલાં જાહેર થયાં પછી, મહેસાણાનો આ શખ્સ ભાગવાની તૈયારીમાં હતો ત્યારે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ હરિયાણીની ટીમે આ શખ્સને લાલપુર બાયપાસ નજીકથી ઝડપી લીધો છે. તેની પાસેથી માત્ર રૂ. ૫૫,૦૦૦ ની રોકડ રકમ પકડાઈ છે.

એસટી કર્મચારીઓનું પણ આંદોલન શરૂ...

     જામનગર સહિત રાજ્યભરમાં હજારો એસટી કર્મચારીઓએ પડતર માંગણીઓ સંદર્ભે વધુ એક વખત આંદોલનનો પ્રારંભ કર્યો છે. સોમવારે એસટી સંકુલ બહાર કર્મચારીઓ એ સૂત્રોચ્ચાર કર્યો હતો. આગામી શુક્રવારે કર્મચારીઓ સામૂહિક રજા પર જતાં રહેશે. તેથી એસટી બસનાં પૈડાં થંભી જશે.      જામનગર સહિત રાજ્યભરમાં આ આંદોલન ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર ફેડરેશન ( મજૂર મહાજન), રાજય એસટી કર્મચારી મહામંડળ ( ઈનટુક) તથા ગુજરાત એસટી મઝદૂર મહાસંઘ ( બીએમએસ) નાં નેજા હેઠળ ચાલી રહ્યું છે.  

વીજતંત્રનાં અધિકારીઓ અને કર્મચારીઓ સ્પર્ધાઓમાં વિજેતા

      તાજેતરમાં વીજતંત્રમાં ઈન્ટરસર્કલ તથા કંપની લેવલે વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાઇ હતી જેમાં જામનગર વીજતંત્રનાં કર્મચારીઓ વિજેતા થતાં મુખ્ય અધિકારી કે.સી. પરીખ દ્વારા આ વિજેતાઓનુ સન્માન કરવામાં આવ્યું હતું.      આ સ્પર્ધાઓમાં ચેસમાં વર્ષા ગઢિયા તથા એ.એ.જાડેજા, કેરમમાં આર.પી.ટાંક, ગુણવંત કે. સોઢા, છાયા ગોસ્વામી તથા પ્રિયા પટેલ ઉપરાંત બેડમિન્ટનમાં ડબલ ચેમ્પિયન કે.સી.ચૌહાણ અને એ.એચ.મિયાવા અને સિંગલમાં આયાઝ મિયાવા રનર અપ રહ્યા હતા. આ સાથે સંગીતા જેઠવા ટેબલ ટેનિસ માં સિંગલ માં ચેમ્પિયન તથા ડબલમા છાયા ગોસ્વામી સાથે રનર અપ રહ્યા હતા. આ સન્માન સમારોહનું સંચાલન પ્રચારમંત્રી દિપક ત્રિવેદીએ કર્યું હતું.

સેન્ટ્રલ બેન્કનાં કર્મચારીઓ હડતાળ પર

     .      જામનગર સહિત દેશભરમાં ૧૩,૦૦૦ થી વધુ શાખાઓ ધરાવતી સેન્ટ્રલ બેન્કમાં તાજેતરમાં કર્મચારીઓની સામૂહિક અને આડેધડ બદલીઓ કરવામાં આવી રહી હોય, કર્મચારીઓએ સોમવારે તથા મંગળવારે હડતાળ જાહેર કરી છે. મુખ્ય શાખા સમક્ષ કર્મચારીઓએ પ્લેકાર્ડ દર્શાવી, સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ તકે યુનિયનનાં જિલ્લા સંગઠન મંત્રી કુલીન ધોળકિયા, મનોજ મેહતા તથા હેમાંગ જેઠવા વગેરે હાજર રહ્યા હતાં.  

વનસ્ટોપ સેન્ટરમાં મહિલાને આશરો

       એક ત્રાહિત વ્યકિત એ 181મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરી માહિતી આપેલ કે, સુરતમાં એક મહિલા  ડુમસ રોડ સરગમ શોપીંગ સેન્ટર ફૂટપાથ પર સૂઇ રહયા છે.    જેથી ઉમરા અભયમ રેસ્કયું ટીમ સ્થળ પર પહોચી મહીલા નુ કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે તેઓ ભુલા પડેલ છે જેઓ ને મદદ ની જરૂર હોવાથી ઓ.એસ સી માં સુરક્ષિત  આશ્રય અપાવવામાં આવેલ છે.      મળતી માહિતી મુજબ  અજાણી મહિલા 2/3દીવસ થી  ફૂટપાથ પર સૂઇ રહેે છે મહિલાના મદદ કરવાના આશય થી  એક ત્રાહિત વ્યકિત એ 181મહિલા હેલ્પ લાઇન મા જાણ કરેલ અભયમ રેસક્યું ટીમ ઉમરા સ્થળ પર પહોંચી મહિલા સાથે વાતચીત કરતા જાણવા મળેલ કેતેમના લગ્ન  થઈ ગયા છે 2 સંતાન છે અને  અમદાવાદ તેમનું સાસરીયુ છે. તેમના માતા પિતા નથી બહેન સુરત મા રહેછે.પરતુ કયા રહે છે તે ખબર ન હતી તેઓ ની યાદદાસ્ત ઓછી હોય તેમ જણાઈ રહ્યું હતુ સુરતમાં કોઈ ઓળખાણ નથી જેથી તેઓ ને સુરક્ષિત આશ્રય અપાવવામાં આવેલ છે આ સાથે ફોટા વાળા મહીલાની કોઈ ને જાણકારી મળે તો અભયમ નો સંપર્ક સાધવા વિનંતી જેથી તેઓ ને પરિવાર સુધી પહોંચાડી શકાય.

દેવશી ધૂલિયાનું ભાજપામાંથી રાજીનામું

       જામનગર ભાજપામાં અગાઉ શહેર મંત્રી તરીકે તથા મીડિયા સેલમાં કામ કરી ચૂકેલા દેવશી ધૂલિયાએ પક્ષનાં સક્રિય સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. પ્રદેશ અધ્યક્ષને રાજીનામાપત્ર મોકલવામાં આવ્યો છે અને શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા તથા પૂર્વ અધ્યક્ષ હસમુખ હિંડોચાને આ પત્રની નકલ મોકલવામાં આવી છે. તેઓએ રાજીનામા પાછળ અનિવાર્ય રાજકીય કારણ દર્શાવ્યું છે.

જોડિયા ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો

     રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સેલ જામનગર દ્વારા  સાંઈ વિદ્યાલય, જોડિયા ખાતે તમાકુ નિયંત્રણ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી તમાકુથી થતાં નુકસાન વિષે બાળકોને માહિતગાર કરવામાં આવયા હતા તેમજ તમાકુ અધિનિયમ 2003 અંતર્ગત કાયદાની જાણકારી આપી વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન અપાયુ હતું. આ કાર્યક્રમમાં વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં  આવ્યું હતું જેમાં વિજેતા થયેલ બાળકોને ઈનામ વિતરણ કરી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌએ વ્યસન મુક્તિ અંગેના શપથ લીધા હતાં.  

મોટી બાણુગાર ખાતે નેશનલ ગેમ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

      મોટી બાણુગાર તાલુકા પ્રાથમિક શાળા ખાતે નેશનલ ગેમ્સ-૨૦૨૨ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓને જુદી-જુદી રમતો રમાડવામાં આવી હતી. તેમજ શાળામાં વિવિધ રમતોમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ઈનામો આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર, સરપંચ અજયભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય નંદલાલભાઈ, શાળાના આચાર્ય કાનાણીભાઈ તથા શાળાનો સ્ટાફ, માધ્યમિક સ્કુલના આચાર્ય ભાલોડીયાભાઈ,પી.એચ.સી.સુપરવાઈઝર સહીત બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહેલ. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌએ ગેમ્સ અવેરનેસ અંગેના શપથ લીધા હતા.

આઈ.ટી.આઈ.માં કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજાયો

          વડાપ્રધાનના જન્મ દિવસે ભારતની તમામ આઈ.ટી.આઈ.ખાતે "કૌશલ્ય દીક્ષાંત સમારોહ" નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત આઈ.ટી.આઈ. જામનગર ખાતે પણ કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજાયો હતો. વિશ્વકર્મા જયંતિના પાવન અવસરે "શ્રમેવ જયંતે" નાં સૂત્રને સાર્થક કરવા જામનગર શહેરની તમામ આઇ.ટી.આઈ. જેવી કે આઈ.ટી.આઈ. જામનગર, આઈ.ટી.આઈ. મહિલા ગુલાબનગર અને શુભશ્રી ગ્રાન્ટ ઈન આઈ.ટી.આઈ. માં ઉતિર્ણ થયેલ તાલીમાર્થી ભાઈઓ-બહેનોને સર્ટિફિકેટ આપી તેઓનું સન્માન કરી દેશનાં "STRATUP INDIA" અને "SKILL INDIA" મિશનને સફળ બનાવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગ્રામ્ય પ્રાંત અધિકારી  ધાર્મિક ડોબરીયા, આઈ.ટી.આઈ.નાં બ્રાન્ડ એમ્બેસેડર અને ગીતા મશીન ટુલ્સનાં મેનેજિંગ ડાયરેક્ટર  સરદારસિંહ જાડેજા, એટલાસ મેટલ્સ કંપનીનાં મેનેજિંગ ડાયરેકટર  રાજેશભાઈ ચાંગાણી, આઈ.ટી.આઈ.નાં આચાર્ય  એમ.એમ. બોચિયા, મહિલા આઈ.ટી.આઈ. નાં આચાર્ય જીજ્ઞેશ વસોયા, ગુલાબનગર આઈ.ટી.આઈ. નાં આચાર્ય  ગાગીયા, ફોરમેન ઇન્સ્ટ્રક્ટર, સુપરવાઈઝર ઈંસ્ટ્રકટર અને તમામ આઈ.ટી.આઈ. નાં ઉતિર્ણ થયેલ આશરે ૫૦૦ જેટલા તા...

વાલસુરા દ્વારા સામૂહિક કોસ્ટલ ક્લિનઅપ મેગા ડ્રાઈવ ...

     જામનગર સ્થિત નેવીની પાંખ INS વાલસુરા દ્વારા આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સ્વચ્છતા અભિયાન અંતર્ગત  તારીખ 18-09-2022 ને રવિવારના રોજ જામનગરમાં વાલસુરા નજીક મરીન પોલીસ સ્ટેશન પાસેના વિસ્તારમાં દરિયાકાંઠા સફાઈ અભિયાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના લોકોને પણ સેનાના જવાનો સાથે આ અભિયાનમાં જોડાવા INS વાલસુરા દ્વારા અપીલ કરવામાં આવી હતી.      રવિવારે સવારે 6:30 કલાકે નેવી વાલસુરા નજીક મરીન પોલીસ સ્ટેશનથી લઈ રોજી પોર્ટ સુધીના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.  

બે વાહનચોર ઝડપાયા

     જામનગર એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા બે વાહનચોરને શોધી કાઢવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી એક મોટરસાયકલ કબજે લેવામાં આવ્યું છે. આરોપીઓનાં નામો હારૂન ઈબ્રાહિમ ખોડ (જોડિયાભૂંગા) તથા હસન સતાર પાલેજા (બેડી) છે. મોટરસાયકલ નાં નંબર જીજે ૧૦ ડી ૪૫૯૧ જાહેર કરવામાં આવ્યા છે. સેન્ટ આન્સ સ્કૂલ નજીકથી આ શખ્સો પકડાયા છે. આરોપીઓનો કબજો સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.

વડાપ્રધાનનાં જન્મદિન નિમિત્તે બાળઆરોગ્ય કેમ્પ

       પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે તેમજ  જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા ના માર્ગદર્શન મુજબ સેવા પખવાડિયા અંતર્ગત      ડો.કલ્પેશ એસ. મકવાણા  કુપોષણ નાબૂદી અભિયાન અંતર્ગત , કુપોષિત બાળકો ને અનુલક્ષીને , તેમના દ્રારા અવિરત ૧૪ મા ફ્રી કેમ્પ નું આયોજન કાલાવડ તાલુકા ના મોટા વડાળા ખાતે PHC મા તા.૧૮/૦૯/૨૦૨૨ ના રોજ કરવામાં આવ્યું હતું . જેમાં બાળકોના આરોગ્ય વિશે જાગૃતિ વધારવા તેમજ બીમાર તથા કુપોષિત બાળકો ને પ્રાધાન્ય આપવા વિનામુલ્યે નિદાન તેમજ વિના મુલ્યે દવા વિતરણ ના કેમ્પ નુ આયોજન તેમના હોસ્પિટલનાં સ્ટાફ સાથે કરવામાં આવ્યું હતું.      આ કેમ્પ મા કુપોષિત બાળકો ની સાથે સાથે , વાતાવરણ ના લીધે તાવ, શર્દી, ઉધરસ, ઝાડા- ઉલ્ટી , તેમજ અપચો થવો, ચામડી ના રોગો જેવા અનેક પ્રકાર ના બાળ દર્દીઓ ને તપાસવા મા આવ્યા હતા અને બહોળી સંખ્યા મા લોકો એ કેમ્પ નો લાભ લિધો હતો.      આ કેમ્પ મા કાલાવડ  કાલાવડ તાલુકા પંચાયત પ્રમુખ એમ.પી.  ડાંગરિયા , તાલુકા ભાજપ પ્રમુખ સંજય ડાંગરિયા, મહામંત્રી છગન સોરઠિયા , એ.પ...

સ્વરસ આત્મનિર્ભરતા તરફ એક પગલું

     COWE અને SIDBI ના સહયોગથી  પિન્ક ફૉઉન્ડેશનની જે બહેનો પોતાનો વ્યવસાય ચાલુ કરવા માંગતી હોય એમના માટે જામનગર થી બનાવેલી પ્રથમ "ફ્રૂટ જ્યુસ કાર્ટ " નું વિતરણ  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે કરવામાં આવ્યું હતું.      પ્રથમ બે લાભાર્થી બહેનો ધર્મિષ્ઠા બેન તથા નયના બેન ને કાર્ટ વિતરણ કરવા માં આવ્યું હતું.      આ યોજના ની વિશેષતા એ છે કે કાર્ટ , ડીસ્પોસેબલ ગ્લાસ , જ્યુસર , આઈસ બોક્સ તદ્દન ફ્રી લાભાર્થી ને મળે છે સાથે 2 મહિના સુધી જ્યુસ બનાવવા માટે ના ફળ ના રૂપિયા પણ આપવા માં આવે છે જે થી આસાની થી વ્યવસાય ચાલુ કરી શકે વગર રોકાણે . જો 2 વર્ષ પેહલા વ્યવસાય બંધ કરે છે તો કાર્ટ પાછી આપવાની રહે છે એ સિવાય કોઈ શરત નથી  

ટાઉનહોલમાં વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો

     કૃષિમંત્રી  રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જામનગરના ટાઉનહૉલ ખાતે સરકારે ૨૦ વર્ષના  વિકાસની ઉજવણી અંતર્ગત “ વિશ્વાસ થી વિકાસ યાત્રા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સ્વ સહાય જૂથોને ચેક વિતરણ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન કાર્ડના લભાર્થીઓને કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જામનગર જિલ્લાની મહિલાઓ સશક્ત અને આત્મનિર્ભર બને તે હેતુથી ત્રણ ગ્રામ સંગઠનોને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ હેઠળ કુલ રૂ.૨૨ લાખ ૫૦ હજારની રકમના ચેક, બે સખી મંડળોને રૂ.૬ લાખની કેશ ક્રેડિટ લોન તેમજ સ્વ સહાય જૂથો ને કુલ રૂ.૧૧ લાખની રકમની ટર્મ લોન તેમજ આયુષ્માન કાર્ડના ૫ મહિલા લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ સ્વ સહાય જૂથો અંગે ફિલ્મ બતાવવામાં આવી હતી અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થતિમાં અમદાવાદ ખાતે આયોજિત રાજયકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. બાદમાં મંત્રીએ જામનગર મહાનગર પાલિકા આયોજિત સર્વ રોગ નિદાન કેમ્પની પણ મુ...

લોકપ્રશ્નો અંગે સમીક્ષાબેઠક યોજાઈ ગઈ

     કૃષિમંત્રી  રાઘવજીભાઈ પટેલે જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી લોકોના પડતર પ્રશ્નો અને રજૂઆતો અંગે સમીક્ષા કરી હતી.      બેઠકમાં મંત્રીએ માર્ગ અને મકાન વિભાગના રોડ રસ્તાના કામો, સિંચાઈ વિભાગ, પંચાયત બાંધકામ વિભાગ, એસ.ટી. વિભાગ, નાગરિક પુરવઠા વિભાગના કામો, મહાનગરપાલિકા હસ્તકના રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, પાણી, સ્ટ્રીટ લાઈટ વગરે પ્રશ્નો, પાણી પુરવઠા વિભાગ, ધ્રોલ-કાલાવડ તાલુકાના પીવાના પાણીના પ્રશ્નો, સૌની યોજના અંગેના પ્રશ્નો વગેરેની ઉપસ્થિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી સમીક્ષા કરી હતી તેમજ સત્વરે તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું.      બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર  વિજય ખરાડી, અધિક નિવાસી કલેકટર  બી.એન.ખેર, પ્રાંત અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી, કાર્યપાલક ઈજનેર સ્ટેટ તથા પંચાયત, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પશુપાલન અધિકારી,  પાણી પુરવઠા અધિકારી સહિતના સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નગરજનોની કોઈને ચિંતા નથી !: નગરમાં રખડતાં પશુઓ અને શ્વાનનો ભયાનક ત્રાસ

     જામનગરમાં રખડતાં પશુઓ અને શેરીઓમાં રખડતાં શ્વાનની સમસ્યા વિકરાળ બની હોવાં છતાં સૌ પોતપોતાનામાં વ્યસ્ત છે ! નગરજનોની કોઈને કશી ચિંતા નથી!      શનિવારે શહેરનાં બેડી વિસ્તારમાં કૂતરાંઓ કરડવાના ચારેક બનાવો બન્યા હતા. આ ઉપરાંત પંજાબ બેન્ક નજીકનાં ચૌહાણ ફળી વિસ્તારમાં ચાર- પાંચ જેટલાં કૂતરાંઓએ ૫૬ વર્ષનાં જનકબેન મુકેશભાઈ સોઢા નામનાં મહિલા પર હૂમલો કર્યો હતો. તેઓને મોંઢા, હાથ તથા શરીરનાં અન્ય અંગોમા ગંભીર ઈજાઓ પહોંચી છે. તેઓને જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે.      આથી પણ ગંભીર મુદ્દો એ છે કે, કોર્પોરેશનનાં અધિકારીઓ અને પદાધિકારીઓ તથા નગરસેવકો નગરજનોની આ પ્રકારની સમસ્યાઓ અંગે જરા પણ ગંભીર નથી ! નગરજનો નું કોઈ નથી ! છેક ચૂંટણી સમયે નગરજનોની જરૂર પડશે. ત્યાં સુધી બધું આમ જ ચાલતું રહેશે કે પછી નગરજનો ખુદ ચૂંટણી સમયે આ બધું યાદ રાખશે ?! આ પ્રશ્નનો જવાબ સમય આપશે.  

બેડી વિસ્તારમાં ચાર ને કૂતરાંઓ કરડયા !!!

     જામનગરમાં રખડતાં પશુઓ ઉપરાંત કૂતરાઓનો ત્રાસ છે. શહેરનાં બેડી વિસ્તારમાં બાળકો સહિત કુલ ચાર વ્યક્તિઓને કૂતરાં કરડવાના બનાવ બન્યા છે. આ ઈજાગ્રસ્તોને જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. નવાઈની વાત એ છે કે, કૂતરાઓના ત્રાસ મુદ્દે કોર્પોરેશન ચૂપ છે. વચ્ચે થોડાં દિવસો પૂરતાં ખસીકરણ અને રસીકરણ નાં નાટકો ચાલ્યા.      ઈજાગ્રસ્તોના નામો આ પ્રમાણે છે: રમઝાન રફીકભાઈ બુચડ ( ઉ. ૭), સુરેશ નારાયણભાઈ ( ૩૭), ઈસાભાઈ સીદીકભાઈ સેડાત (૬૭) અને સોહિલ હનીફભાઇ મલેક (૩૪).  

બેડીમાં ગેસ રિફીલિંગનું કૌભાંડ ધમધમતું હતું, હવે ઝડપાયું....

       જામનગરમાં બેડી વિસ્તારમાં ગેસનાં બાટલાઓ ગેરકાનૂની રીતે ભરી અને વેચવાનું મોટું કૌભાંડ જાહેર થયું છે. એસઓજીએ ૬૨ બાટલા તથા વજનકાંટા સહિતની ચીજવસ્તુઓ તેમજ એક છોટા હાથી ટેમ્પો અને એક રિક્ષા એમ કુલ રૂ. ૩,૩૦,૬૫૦ નો મુદ્દામાલ કબ્જે લીધો છે. પીએસઆઇ એ.એસ. ગરચરની ટીમે આ કામગીરી કરી હતી. આરોપીઓનાં નામો આ પ્રમાણે છે: કાસમ અજિત છેર ( મહાદેવ ગેસ એજન્સીનો ડીલેવરીમેન) , અબ્દુલ કરીમ કુરેશી, સિકંદર હાજી છેર - બંને ડ્રાઈવર તથા કાસમ અનવર મકવાણા નામનો મજૂર.      આ કૌભાંડ બેડી વિસ્તારમાં જુમા મસ્જિદ નજીક ઉમતઅલી દરગાહ પાસે ધમધમતું હતું.

કર્મચારી આંદોલનમાં બે ભાગ પડી ગયા, કેટલાંક સરકાર સાથે!!

       જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં વિવિધ વિભાગોનાં સરકારી કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. શનિવારે સરકારે જાહેર કર્યું કે, કર્મચારીઓ સાથે સમાધાન થયું. નવ લાખ કર્મચારીઓને લાભો આપવામાં આવ્યા. વાસ્તવિકતા અલગ છે, હજારો કર્મચારીઓનાં આંદોલન ચાલુ છે. જામનગરમાં જિલ્લા પંચાયતમાં હિસાબી, વહીવટી તથા આંકડા વિભાગનાં અંદાજે ૧૦૦ થી વધુ કર્મચારીઓ તથા અધિકારીઓ શનિવારે માસ સીએલ પર એટલે કે સામૂહિક રજા પર હતાં. આંદોલન સમેટાયું નથી. કર્મચારીઓની સંખ્યાબંધ માંગણી સ્વીકારવામાં આવી નથી. જામનગરમાં કર્મચારીઓનાં જાણીતાં આગેવાનો શનિવારે આખો દિવસ ગૂમ રહ્યા. લાલપુર તાલુકાના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી આર.ટી. જાડેજાની આગેવાનીમાં કર્મચારીઓએ આંદોલન ચાલુ રાખ્યું છે. હજુ આંદોલન ચાલુ જ રહેશે.

આઉટસોર્સનાં હજારો કર્મચારીઓ પણ હડતાળ પર !!

     જામનગર સહિત રાજ્યભરમાં આઉટસોર્સનાં હજારો કર્મચારીઓ સરકારથી નારાજ છે. તેઓનું વર્ષોથી આર્થિક શોષણ થાય છે. પગાર પૂરો આપવામાં આવતો નથી, નિયમિત આપવામાં આવતો નથી, પગારવધારો આપવામાં આવતો નથી. સરકારે નીમેલી કોન્ટ્રાકટર એજન્સીઓને ઘી કેળા છે અને કર્મચારીઓનું બેફામ શોષણ થાય છે. શનિવારે આ બધાં કર્મચારીઓએ સ્થાનિક સત્તાવાળાઓને આવેદનપત્ર આપ્યું હતું.  

જામનગરમાં બેરોજગારી દિન ઉજવવામાં આવ્યો

       જામનગરમાં ૧૭ મી સપ્ટેમ્બરે ( વડાપ્રધાનનો જન્મ દિવસ) જામનગર યુવક કોંગ્રેસ તથા જિલ્લા એનએસયુઆઈ દ્વારા રોજગાર કચેરી નજીક બેરોજગારી દિવસ ઉજવવામાં આવ્યો. જેમાં બેરોજગારો પણ જોડાયા હતાં.      આ તકે શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ તૌસિફખાન પઠાણ, શક્તિસિંહ જેઠવા, જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ મહિપાલસિંહ જાડેજા વગેરે જોડાયા હતાં.

અંગદાન જાગૃતિ માટે શપથવિધિ સમારોહ

     જામનગરમાં શનિવારે જીજી હોસ્પિટલમાં નવી ઈમારત ખાતે નર્સિંગ સ્ટાફ, ખાનગી નર્સિંગ કોલેજની છાત્રાઓ વગેરે દ્વારા અંગદાન જાગૃતિ માટે શપથવિધિ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ તકે દર્દીઓની સેવા સુવિધાઓ ખોરવાય નહીં તે ધ્યાનમાં રાખી આ કાર્યક્રમ માત્ર ૧૫ મિનિટ પૂરતો યોજવામાં આવ્યો હતો.  

સાગર સ્વચ્છતા અભિયાન

     સાગર ભારતી નામની સંસ્થાનાં કાર્યકરો અને અન્ય યુવાનોએ શનિવારે વડાપ્રધાન નાં જન્મ દિવસની ઉજવણી રૂપે જામનગરમાં નવા બંદર વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. દેશભરમાં આ પ્રકારના કુલ ૭૫ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. આ તકે સાગર ભારતી સંસ્થાના ૫૦૦ લોકો સાથે મળીને દરીયા કાંઠાની સફાઇ કરી હતી. તેઓ મિડીયાને જણાવ્યું હતું કે, દરિયા કાંઠે ફરવા આવતાં લોકો જો કચરાનો યોગ્ય નિકાલ કરે તો આવા સફાઇ અભિયાનની જરૂરીયાત ના પડે.  

વડાપ્રધાન જીવનકવન સંબંધે પ્રદર્શની યોજવામાં આવી

       શનિવારે જામનગરમાં વડાપ્રધાનનાં જન્મદિન નિમિત્તે તળાવ ની પાળે સવારનાં સમયે જામનગર ભાજપા દ્વારા વડાપ્રધાન નાં જીવન કવન, કામો સંબંધે એક પ્રદર્શન ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. આ તકે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, પૂર્વ મંત્રી વસુબહેન ત્રિવેદી, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા તથા આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.