ઓખા કોસ્ટગાર્ડ દ્વારા ચાર દિવસનાં નારીશક્તિ કેમ્પેઈન અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ૩ થી ૬ ઓગસ્ટ દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં જાફરાબાદ, વેરાવળ, પોરબંદર અને ઓખાના માછીમાર પરિવારોને જોડવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં સામુદાયિક આંતરસંવાદ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને આરોગ્ય સંબંધી સંબોધનો યોજવામાં આવ્યા હતાં જેનો ઉદ્દેશ્ય સાગરકાંઠાની સ્વચ્છતા, માછીમાર પરિવારમાં મહિલાઓનું સ્વચ્છ જિવન અને મહિલાઓની તંદુરસ્તી વધારવાનો હતો. ભારતીય કોસ્ટગાર્ડના મહિલા અધિકારીઓ ઉપરાંત કોસ્ટગાર્ડના જવાનો અને અધિકારીઓની પત્નીઓ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં દરિયાકિનારા નાં કુલ ૧,૨૦૦ કિલોમીટર વિસ્તારને આવરી લેવામાં આવ્યો હતો અને અંદાજે ૧,૫૦૦ જેટલી માછીમાર મહિલાઓને જોડવામાં આવી હતી. લાયન્સ કલબ ગ્રેટર અમદાવાદ અને ગાંધીનગરની કંપની મૂડ ઓફ વુડ દ્વારા આ કાર્યક્રમમાં સહયોગ આપવામાં આવ્યો હતો.