મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ડિસેમ્બર 4, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વિશ્વ દિવ્યાંગ દિવસની જામનગરમાં ઉજવણી સંપન્ન

     ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, જામનગર (પાઇપલાઇન વિભાગ) દ્વારા વિશ્વ દિવ્યાંગ દિન નિમિતે તાજેતરમાં કંપનીના સીએસઆર (સામાજિક દાયિત્વ) દ્વારા દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ યોજવામાં આવેલો.      ધન્વંતરિ ઓડીટોરિયમ ખાતે યોજાયેલા આ કેમ્પમાં જિલ્લા સમાજ સુરક્ષા કચેરીએ સહયોગ આપ્યો હતો. જિલ્લાના ૪૩૪ દિવ્યાંગો ને કુલ રૂપિયા ૬ લાખની સાધન સહાય આપવાની છે તે પૈકી ૧૨ દિવ્યાંગોને મોટરેટ ટ્રાઇસિકલ, વ્હીલચેર, વોકીંગ સ્ટીક, બ્રેઇલ કેન, બ્રેઇલ કીટ વગેરે આપવામાં આવ્યા.      કાર્યક્રમમાં આઇઓસીના એકઝીકયુટિવ ડીરેકટર ડી.કે. બેનરજી, સાંસદ પૂનમબેન માડમ, કલેકટર રવિશંકર, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલ કગથરા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષભાઇ જોષી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી પ્રાર્થના શેરસિયા વગેરે હાજર રહ્યા હતાં.

મિલ્કતોની હરાજી નિષ્ફળ

     જામનગર મહાનગરપાલિકાએ બાકી વેરાઓ મામલે જપ્ત કરેલી ૩૦ મિલ્કતો પૈકી ૭ મિલ્કતોની હરાજી નિયમો મુજબ ટાઉનહોલ ખાતે યોજવામાં આવેલી જેમાં નગરજનો ફરકયા ન હતાં તેથી હરાજી પ્રક્રિયા નિષ્ફળ રહી હતી.      ૨૭ પૈકી માત્ર ૩ મિલ્કતોનું વેચાણ થતાં કોર્પોરેશનને રૂપિયા ૧૦ લાખ જેટલી આવક થઇ છે. હવે બાકીની ૨૪ મિલ્કતો મહાનગરપાલિકા બીપીએમસી એકટ મુજબ રૂપિયા ૧ ના ટોકન ભાવે કોર્પોરેશન હસ્તક લઇ લેશે એમ ટેકસ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર જિગ્નેશ નિર્મળે જણાવ્યું છે. હરાજીની આ પ્રક્રિયામાં ટેકસવિભાગના અધિકારી જી.જે. નંદાણીયા, મદદનીશ ટેકસ અધિકારી ધીરેન મહેતા વગેરે હાજર રહ્યા હતાં.

ભૂતિયા નળ જોડાણ ચેકીંગ કરવા ટીમ ઉતારતી મહાનગરપાલિકા

     જામનગરમાં મહાનગરપાલિકાની ૧૪ ટીમો શહેરના ૧૬ વોર્ડમાં ભૂતિયા નળજોડાણની તપાસ કરે છે. હજૂ ૨૯૯૧૮ મિલ્કતોની ચકાસણી બાકી છે. આ પ્રકારના જોડાણ ધારકો વિરૂધ્ધ ફોજદાર૦ કાર્યવાહીની ચિમકી પછી ૭૩૩૭ જોડાણ ધારકોએ કોર્પોરેશનમાં રૂપિયા ૪૮ લાખ ૯૩ હજાર ભરી દીધા છે. ૩૧ ડિસેમ્બર સુધી આ કાર્યવાહી ચાલશે.

માનપરમાં રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસની ઉજવણી

     જામનગરના નહેરૂ યુવા કેન્દ્રના ઉપક્રમે જોડિયા તાલુકાના માનપર ખાતે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં સરપંચ, શાળાના આચાર્ય, મંત્રી, ગ્રામજનો તથા ઉડાન કલબના સભ્યો હાજર રહ્યા હતાં.      આ તકે સોશિયલ ડીસ્ટન્સના નિયમો વગેરેનું પાલન કરવામાં આવેલું. લોકોમાં પ્રદૂષણ-પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી. કાર્યક્રમનું આયોજન નરોતમ વઘોરા દ્વારા કરવામાં આવેલું. માર્ગદર્શન જિલ્લા યુવા સંયોજક શેખર રસ્તોગી દ્વારા આપવામાં આવ્યું હતું.

ખંભાળીયા પ્રકરણમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર

        ખંભાળીયામાં એક યુવાનને નગ્ન ફેરવવાના ચકચારી પ્રકરણમાં ઝડપાયેલાં પાંચ આરોપીના ૪-૪ દિવસના રિમાન્ડ અદાલતે મંજૂરી કર્યા છે. આ સમગ્ર પ્રકરણમાં ખંભાળીયા પોલીસની આબરૂનું ભારે ધોવાણ થયું છે. હાલમાં પ્રકરણની તપાસ એલસીબી પાસે છે. આરોપીઓ તથા ખંભાળીયા પોલીસ વચ્ચે સાંઠગાઠ છે કે કેમ? તે અંગે પણ તપાસ થશે. ખંભાળીયાના એક પોલીસ ઇન્સ્પેકટર આરોપીઓ પૈકી ૧ ની પત્નીના મામા હોવાનું પણ જાહેર થયું છે.