મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

નવેમ્બર, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જામનગરમાં કોરોના ટેસ્ટીંગ

     જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા મહાનગરપાલિકાના ગેઇટ પાસે મહાનગરપાલિકાના મુલાકાતીઓના કોરોના ટેસ્ટની કામગીરી કરવામાં આવે છે. જે લોકોના ટેસ્ટ નેગેટિવ આવે તેઓને જ કોર્પોરેશનમાં પ્રવેશ આપવામાં આવે તેવું નકકી કરવામાં આવ્યું છે. જો કે કોર્પોરેશનની મુલાકાત લેનાર તમામ ના કોરોના ટેસ્ટ કરવામાં આવતાં નથી એવું પણ જાણવા મળે છે. સિકયોરીટીના જવાનો જેઓનો કોરોના ટેસ્ટ ન થયો હોય તેને પણ મહાનગરપાલિકામાં પ્રવેશ આપતા હોવાનું કેટલાંક કિસ્સાઓમાં જાણવા મળે છે.

શરાબ સાથે ઝડપાયો

     એલસીબીના બે પીએસઆઇ ગોજિયા, દેવમુરારીની ટીમે જામનગર નજીકના નાઘેડીની સીમમાંથી હરપાલસિંહ જુવાનસિંહ જાડેજાના રહેણાંક મકાનમાંથી શરાબની ૧૩ બોટલ, મોબાઇલ કબજે લીધાં છે. આરોપીએ આ શરાબ જયેશ ઉફે જયુ ભાનુશાળી તથા કુલદીપસિંહ ઉર્ફે લાલો ઢીંગલી (સરમત) પાસેથી મેળવ્યો હતો. આ કાર્યવાહી પોલિસ ઇન્સ્પેકટર કે.જી. ચૌધરીની સુચના મુજબ એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

ચૂર ગામના બે પૂર્વ સરપંચ ઝડપાયા

     જામજોધપુર તાલુકાના ચૂર ગામના બે પૂર્વ સરપંચ ઝડપાયા છે. એસીબીએ આ બંનેની ધરપકડ કરી છે. આ સરપંચોએ ભૂતકાળમાં વિકાસ કામો પેટે ગેરકાયદે ચૂકવણું કરી સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો હતો તેવા તેમના પર આરોપ છે. આરોપી મુરીબેન નથુભાઇ રાઠોડ તથા નિતેશસિંહ ગભીરસિંહ જાડેજાની ધરપકડ થઇ છે. બંનેના કોરોના ટેસ્ટ નેગેટિવ જાહેર થયા છે.       એસીબીના આસિ. ડાયરેકટર એ.પી. જાડેજાના માર્ગદર્શન પ્રમાણે, પીઆઇ એ.ડી. પરમારની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે.

શરાબ સાથે ત્રણ ઝડપાયા

     પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ ગચ્ચરની ટીમે નાગેશ્વર વિસ્તારમાં સુનિલ તુલસીભાઇ રાઠોડ, સુરેશ ગોપાલભાઇ રાઠોડ, કિશોર ભગવાનજીભાઇ રાઠોડના કબજામાંથી ૩૫ બોટલ શરાબ, ૩ નંગ મોબાઇલ કબજે લીધાં છે.      આ શરાબ તુષાર (ટકો) ભરતભાઇ બારૈયા, સચિન રામજીભાઇ બારૈયા પાસેથી મેળવામાં આવેલો છે. હાલ આ બન્નેની શોધખોળ પોલીસ કરી રહી છે.       આ કામગીરી ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, કાસમભાઇ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઇ ડાંગર તથા એ.એસ.આઇ ધર્મેન્દ્રસિંહ જાડેજા વગેરેએ કરેલ હતી.

બેંક કર્મચારીઓની ખાનગીકરણના વિરોધમાં હડતાળ

     જામનગર સહિત દેશભરમાં બેંકોના કર્મચારીઓ અને વિવિધ સાહસોના તમામ કર્મીઓ મળી કુલ અંદાજે ૨૫ કરોડ લોકોએ આજે દેશભરમાં સરકારની નીતિનો વિરૂધ્ધ હડતાળ યોજી છે. સરકારની નીતિઓને કામદાર, ખેડૂત, પ્રજા વિરોધી લેખાવવામાં આવી છે. બેરોજગારી, પગાર કાપ પણ હડતાળના મુદ્‌ા છે.      બેંકો, વાજળી, ખેતી, સંરક્ષણ, કોલ, વિમો, ઇંધણ, સ્ટીલ વગેરે ક્ષેત્રમાં કામદારોમાં આક્રોશ છે. સરકારને લોકોની વેદનાનો અવાજ સંભળાતો નથી એમ જણાવી બેંક કર્મીઓએ બુધવારે સાંજે યુકો બેંક નજીક (જૂની દિપક ટોકીઝ પાસે) સૂત્રોચ્ચાર, દેખાવો કર્યા હતાં. આજે બેંકોમાં હડતાળ છે.

શરાબ સાથે ઝડપાયો

     એલસીબીના બે પીએસઆઇ ગોજિયા, દેવમુરારીની ટીમે કપિલ અશોકભાઇ ભદ્રા (દિગ્વીજય પ્લોટ ૫૪, વિશ્રામવાડી) નામના શખ્સને તેના રહેણાંક મકાનમાંથી શરાબની ૬ બોટલ સાથે ઝડપી લીધો છે. કપિલે આ શરાબ અશોક ઉર્ફે મિર્ચી ભાનુશાળી નામના શખ્સ પાસેથી મેળવ્યો હતો. પોલીસ અશોકને શોધી રહી છે.

નાસરો ફરતો આરોપી ઝડપાયો

     એલસીબીના બે પીએસઆઇ ગોજિયા, દેવમુરારીની ટીમે સુનિલ (સાગર) હમીર માણેક (૨૪- વામ્બે આવાસ) નામના નાસતા ફરતાં આરોપીને પકડી પાડયો છે. આ શખ્સ વિરૂધ્ધ અગાઉ મારામારી તથા દારૂ વેચાણના કેસો નોંધાયેલા છે.

ઘોડીપાસની કલબ ઝડપાઇ

     એલસીબી પીએસઆઇ ચૌધરીના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ ગચ્ચરની ટીમે નાગેશ્વર વિસ્તારમાં ભીખુ (ખોડા) રાઘવ ઢાપા નામના શખ્સના મકાનમાં ચાલતી ઘોડીપાસાની કલબ ઝડપી લીધી છે. ૧૬ જૂગારીઓ ઝડપાયા છે. રૂપિયા ૨.૧૦ લાખની રોકડ રૂપિયા ૧૦૭૫૦૦ ના વાહનો કબજે લેવામાં આવ્યા છે. આ દરોડામાં સ્ટાફના ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ, સલીમભાઇ, મેહુલભાઇ વગેરે જોડાયા હતાં.

ભૂગર્ભગટરના કામમાં વીજચોરી!

       બેડીના ખારી વિસ્તારમાં મહાનગરપાલિકાનું ભૂગર્ભ ગટરનું કામ ચાલે છે. કોન્ટ્રાકટ પી. દાસ ઇન્ફ્ર નામની એજન્સીને આપવામાં આવ્યો છે અને સુપરવાઇઝરની જવાબદારી ભાવિન ગાગલિયા સંભાળે છે.      ગત્ તા. ૧૩ નવેમ્બરે બેડેશ્વર વીજતંત્રના સબ સ્ટેશનના નાયબ ઇજનેર પી.એચ. જાદવએ આ સ્થળે તપાસ કરતાં જાળવા મળ્યું કે, આ કામમાં વીજચોરી થઇ રહી છે.      વીજતંત્રએ બે વીજમોટર, પંખો તથા ૫૦ મીટર કેબલ કબજે લઇ પી. દાસ ઇન્ફ્રા નામની આ કોન્ટાકટ એજન્સીને રૂપિયા સાડા આઠ લાખનો દંડ વીજચોરી સબબ ફટાકાર્યો છે. પીજીવીસીએલના પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવામાં આવી છે.

ગિરનારના રોપ-વેની નબળાઇ છતી થઇ

     જૂનાગઢના ગિરનાર ટેમ્પલ રોપ-વે ની નબળાઇ છતી થઇ છે. કંપનીનો દાવો હતો કે, ૧૮૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તો પણ કેબિન, રોપ-વે સ્ટ્રકચરને કાંઇ નહીં થાય. તાજેતરમાં તહેવારો દરમ્યાન માત્ર ૪૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો ત્યારે રોપ-વેના સ્ટ્રકચરને તકલીફો થયેલી. પ્રવાસીઓ ચિંતામાં મૂકાયેલાં. આ પ્રવાસીઓની સલામતીની જાળવણી કોની?!

ગૌશાળા માટે લાડુ બનાવાયા

     કોરોના સંક્રમણના કારણે આ વર્ષે જલારામ જયંતિ નિમિતેના સમૂહભોજનના કાર્યક્રમો મોકૂફ છે પરંતુ પરંપરા મુજબ, લોહાણા મહાજન વાડી ખાતે ગૌશાળાની ગાયો માટે મોટી સંખ્યામાં લાડુ બનાવવાની કામગીરી શુક્રવારે અગ્રણીઓની હાજરીમાં કરવામાં આવેલી.

માસ્ક અંગે કાર્યવાહી

     અમદાવાદમાં શુક્રવારથી કર્ફયૂ લાદવામાં આવ્યા પછી જામનગરના તંત્રને માસ્ક, સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરાવવાનું યાદ આવતાં શુક્રવારે તળાવની પાળ ખાતે માસ્ક અંગેનો દંડ વસૂલવાની કામગીરી શરૂ કરવામાં આવેલી.      જે નગરજનો માસ્ક પહેરે છે, નિયમોનું પાલન કરે છે તેઓના મત એવો છે કે, દંડના બદલે જાહેરમાં ઉઠ-બેસની સજા કે શહેરના ગંદા વિસ્તારોમાં આવા આસામીઓને સફાઇ કરાવવાની સજા કરવી જોઇએ.       અત્રે નોંધનિય છે કે, તહેવારો દરમિયાન તમામ નિયમોના ધજાગરા થયેલાં, લોકો ટોળામાં ધૂમતાં હતાં અને, તંત્રો પણ ગાયબ જ રહ્યા હતાં.

જામનગરમાં છઠ્ઠપૂજાનો કાર્યક્રમ

     જામનગરના વુલનમિલ વિસ્તારમાં રહેતાં ઉત્તરપ્રદેશ-બિહારના શ્રધ્ધાળુ પરિવારો દ્વારા છેલ્લાં ૨૦ વર્ષથી છઠ્ઠપૂજાનો ઉત્સવ મનાવવામાં આવે છે. ૩ દિવસ અન્નજળના ત્યાગ સાથે આ વ્રત ઉજવાય છે. તેમજ ધનધાન્ય પૂજા સાથે સૂર્વદેવને અર્ધ્ય આપવામાં આવે છે. ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, વિપક્ષના નેતા અલ્તાફભાઇ ખફી, દિગુભા જાડેજા વગેરે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં.

જામનગરમાં રંગોળીઓ

     ખંભાળિયા નાકા નજીક ગુલાબબાગમાં રહેતાં સોનાલી સોનીએ ડઝનેક જેટલાં રંગો અને કાચની આભલીઓના ઉપયોગથી સવા પાંચ ફૂટની મહાલક્ષ્મી માતાજીની રંગોળીનું નિર્માણ કર્યું છે. જેની પાછળ ૭ કલાકની મહેનત છે.      શહેરના સુભાષબ્રિજ નજીક રહેતાં માનસી ભરડવા તથા લેનિશા કુકડીયાએ આધુનિક ઇમેજ ધરાવતી વિશાળ રંગોલીનું સર્જન કયું< છે. તેઓ રાજપાર્ક ખાતે વસવાટ કરે છે.

ફરાર આરોપી ઝડપાયો

     જામનગરની પેરોલ ફર્લો સ્વકોડના પીએસઆઇ ગચ્ચરની ટીમે ફરાર આરોપી રાજેન્દ્ર બાબુલાલ ચૌહાણને ઝડપી લીધો છે. આ શખ્સ સીદી પીરની શેરીમાં રહે છે. નેગોશિયેબલ એકટના ગુનામાં તેને બે વર્ષની સજા થયેલી છે. પેરોલ પર છૂટયા પછી નિયત સમયે તે સતાવાળાઓ સમક્ષ હાજર થયો ન હતો અને ભાગી છૂટયો હતો. આ શખ્સને રાજકોટની જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

પ્રભારી સચિવ દ્વારા બેઠક

     તહેવારો પૂર્ણ થયા, કોરોનાનો કકળાટ શરૂ થયો, દરમિયાન જામનગરની કલેકટર કચેરી ખાતે પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાયી આગેવાનીમાં કોરોના સંદર્ભે સમીક્ષા બેઠક યોજવામાં આવી. જેમાં કલેકટર, કમિશનર તથા જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.      જામનગરમાં કોરોના સંદર્ભે કાગારોળ મચાવવાની જરૂર નથી, પૂરતી દવાઓ, વ્યવસ્થા છે. કેસોની સંખ્યા પણ મોટી નથી સર્વેલન્સ વધારવામાં આવશે, વગેરે બેઠકમાં જણાવવામાં આવ્યું છે. 

સંક્ષિપ્ત સમાચાર

દુનિયાાની સૌથી મોટી ટેક કંપની એપલને અમેરિકાની અદાલતે રૂપિયા ૮૪૦ કરોડનોદંડ ફટકાર્યો છે. કંપનીએ ૨૦૧૬ માં આઇફોન ૬-૭ અને SE  ના મોડેલનું અપડેટ કર્યુ ત્યારે જૂના આઇફોન સ્લો થઇ ગયા હતાં. કંપનીએ આ અંગે ગ્રાહકોને કોઇ જ જાણકારી આપી ન હતી દેશની આર્થિક ગતિવિધિઓ કોરોના પહેલાંના સ્તેર પહોંચી છે. વિવિધ રેટિંગ એજન્સીઓ ભારતના રેટીંગમાં વધારો કરી રહી છે. ખરીદ ક્ષમતામાં ૩૦ ટકાનો ઉછાળો છે. દેશનો જીડીપી લાંબા ગાળે વધશે. દેશના ઉત્પાદનક્ષેત્રમાં રોજગારી વધારવા માટેના પ્રયાસો ચાલુ છે. ૨૦૧૮-૧૯ માં સરકારી દેવું. જીડીપી ના ૭૨ ટકા હતુ. જે ૯૮.૩ ટકા થયું છે પરંતુ ૨૦૨૧/૨૨ માં તે ઘટીને ૮૭.૫ ટકા થશે ગાંધીનગરના ગિફટ સિટીમાં મેરીટાઇક કલસ્ટર બનાવામાં આવશે. ગુજરાતના બંદરો પર થતી આર્થિક પ્રવૃતિઓને વેગ આપવા આ નિર્ણય લેવાયો છે જેનાથી મેરીટાઇમ ક્ષેત્રમાં રોજગાર પ્રવૃતિઓ વધશે ગુજરાતમાં તહેવારોની ઉજવણી બાદ શિયાળાના પ્રારંભે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. કેન્દ્ર સરકારે દેખરેખ, તપાસ માટે ત્રણ તબીબોની ટીમ મોકલી છે. ૨૩ મીથી ધોરણ ૯ થી ૧૨ ની શાળાઓ શરૂ થયાની હતી. પરંતુ સરકારે આ નિર્ણય હાલ મોકૂફ સંખ્યાની જાહેરાત કરી છે.

જામનગર ભાજપાનો કાર્યક્રમ

     જામનગર શહેર ભાજપાના નવનિયુકત પ્રમુખ ડો. વિમલ કગથરાએ મી નવેમ્બરે પોતાનો પદભાર સંભાળ્યો છે. આ તકે શહેર ભાજપા કાર્યાલયમાં સ્નેહમિલનનું પણ આયોજન કરવામાં આવેલું અને કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.      કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ અધ્યક્ષ હસમુખભાઇ હીંડોચા, મેયર હસમુખભાઇ જેઠવા, તથા પૂર્વ ધારાસભ્ય મનહરભાઇ ઝાલાની ઉપસ્થિતિમાં તેઓએ પદભાર સંભાળ્યો ત્યારે પક્ષના પૂર્વ અધ્યક્ષો, અગ્રણીઓ તથા કાર્યકર્તા ભાઇઓ-બહેનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતાં.

બાળકોના શ્વાસ-અસ્થમા રોગ માટે કેમ્પ યોજાશે

     આગામી ૨૧ મી નવેમ્બરે, આયુર્વેદ હોસ્પિટલ (રિલાયન્સ મોલ સામે)ના ઓપીડી રૂમ નંબર ૧૫ માં બાળકોમાં થતાં શ્વાસ, અસ્થમાં ના રોગ માટે વિનામૂલ્યે નિદાન, સારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે.      ઘણાં બાળકોને નાકમાંથી કફ વહે છે. ઉધરસ, છીંકો આવે છે, રાત્રે સૂવામાં તકલીફ થાય, શ્વાસની ગતિમાં વૃધ્ધિ, ફેફસાંમાંથી હવા લીક થવી, ચામડીની એલજી<, ન્યૂમોનિયા (ભરાણી) જેવાં રોગોનું નિદાન કરવામાં આવશે.    

યાર્ડની કામગીરી ફરી શરૂ

          દિવાળીની રજાઓ બાદ લાભપાંચમથી જામનગરનું માર્કેટ યાર્ડ ફરીથી ધમધમવા માંડયું છે. ૧૯ મી નવેમ્બરે અંદાજે રર૫ થી વધુ વાહનોમાં મગફળીની ૨૦૦૦૦ થી વધુ ગુણી, કપાસની સંખ્યાબંધ બોરીઓ તથા તલ, એરંડા, મોટાં પ્રમાણમાં હરાજીમાં વેચાળા માટે લાવવામાં આવ્યા હતાં.

બાળક દતક કેમ લેવાય?

     ભારતમાં નિ:સંતાન દંપતિ ઉપરાંત બાળકો ધરાવતાં દંપતિ પણ બાળક દત્તક લઇ શકે છે. સરકાર માન્ય આ પ્રકારની ૧૯ સંસ્થાઓ છે. દંપતિની તમામ વિગતો મેળવ્યા પછી જિલ્લા એડોપ્શન કમિટી આ અંગે નિર્ણય લ્યે છે. બાદમાં ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના આદેશથી બાળક દત્તક આપવામાં આવે છે.      માત્ર છોકરાઓ કે છોકરીઓ ધરાવતાં ત્રણ કે તેથી વધુ સંતાનોના માતાપિતા પણ બાળક દત્તક લઇ શકે. આ માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. સાઇટ દ્યદ્યદ્ય.ચઅરઅ.નાચ.ાન જિલ્લાની બાળ સુરક્ષા કચેરીનો પણ સંપર્ક સાધી શકાય.      વધુ વિગતો માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ (૦૨૮૮-૨૫૭૧૦૯૮) અથવા સ્ત્રી વિકાસ ગૃહ (૦૨૮૮-૨૬૭૬૯૮૩)નો સંપર્ક સાધવો.

જિલ્લામાં શિક્ષકોની ભરતી

     જામનગર જિલ્લાની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ (ધોરણ ૧૧-૧૨) માં ખાલી પડેલી ૧૭ પૈકી ૧૫ જગ્યાઓ પર શિક્ષકોની ભરતી કેમ્પના માધ્યમથી કરવામાં આવી છે. આ તકે જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ. ડોડિયા ઉપસ્થિત રહ્યા હતાં. રાજ્યમાં કુલ ૫૬૪ શિક્ષકોની ભરતી થઇ છે.