મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

નવેમ્બર 7, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

એલઆરડી પુરૂષ ઉમેદવારોને અન્યાય

     એલઆરડીની ભરતી પરીક્ષાનું પરિણામ ૨૦૧૯ માં જાહેર થઇ ગયા પછી, એલઆરડીના મહિલા ઉમેદવારોના આંદોલન બાદ સરકારે તેઓ માટે ૨૪૮૫ બેઠકો વધારી દીધી છે પરંતુ એલઆરડીના પુરૂષ ઉમેદવારોને સરકાર અન્યાય કરે છે. રજૂઆતો કરવા દેતી નથી. આંદોલન પોલીસબળથી દબાવી દેવામાં આવે છે. ચૂંટણીસમયે નેતાઓની રેલી, સભાઓ જાય છે. અન્યાય સામે નાગરિકોના આંદોલનને કોરોના નામે દબાવી દેવામાં આવે છે. ચૂંટણીસભાની મંજૂરી આપતી ગુજરાત પોલીસ એેલઆરડીના ઉમેદવારોને અન્યાય વિરૂધ્ધના આંદોલનને મંજૂરી આપતી નથી.        પાટનગર ગાંધીનગરમાં પોલીસની મદદથી તાનાશાહી ચલાવવામાં આવે છે. અનેક રજૂઆતો પછી થાકેલાં આ ઉમેદવારોએ સરકાર સમક્ષ ઇચ્છા મૃત્યુની માંગણી કરી છે, જામનગરમાં સતાવાળાઓને આ અંગે આવેદનપત્ર આપ્યું છે.

ભૂતિયા નળ જોડાણ કાયદેસર કરાવવા મહાનગરપાલિકાનું અલ્ટીમેટમ

     જામનગરમાં ભૂતિયા નળજોડાણો શોધી કાઢવા માટે મહાનગરપાલિકાએ કુલ ૩૧૩૦૬૯ મિલ્કતોનો સર્વે કરેલો જે પૈકી ૧૧૦૪૮ મિલ્કતોમાં ગેરકાયદેસર નવજોડાણ મળી આવ્યા છે. હજૂ ૧૩૭૯૭ મિલ્કતોનો સર્વે કરવામાં આવશે. મહાનગરપાલિકાની ૧૪ ટીમ આ સર્વે કામગીરી કરે છે. ૧૧૦૪૮ ગેરકાયદે નળજોડાણો પૈકી ૪૨૦૯ નવજોડાણો ફી ભરીને કાયદેસર કરવામાં આવતાં મહાનગરપાલિકાને રૂપિયા ૬૪ લાખની આવક થઇ છે. દરરોજ ૨૦૦-૨૫૦ જેટલાં નળજોડાણધારકો ફી ભરી જોડાણો કાયદેસર કરાવે છે.      શહેરમાં કુલ ૧૬૪૬૩૪ રહેણાંક મિલકતો છે. જે પૈકી મહાનગરપાલિકાના ચોપડે ૧૧૯૫૨૮ મિલ્કતોમાં નળજોડાણ છે. ૩૧ ડિસેમ્બર સુધી આ કાર્યવાહી થશે બાદમાં પોલીસ દ્વારા ફરિયાદ સંબંધી કામગીરી કરવામાં આવશે.

બિલવગરના કોપર તથા એલ્યુમીનીયમ કેબલના જથ્થા સાથે બે ઝડપાયા

જામનગર એસઓજી એ બિલ વિનાના કોપર-એલ્યુમીનીયમના ૧૦૦૦ કિલો વાયર (અંદાજીત કિંમત રૂપિયા ૭૦૦૦૦) સાથે જગદિશ (જિગર) રાયદે રાવલીયા તથા ધર્મદ્રીપસિંહ નિરૂભા જેઠવાને ઝડપી લીધાં છે. આ શકમંદ જથ્થો રણજિતનગર, હર્ષદ મંદિર સામે પવન મહાજન નામના શખ્સના મકાનમાંથી મળી આવ્યો છે. આ જથ્થો બિલવિનાનો હોય બન્ને ઉપર આર.પી.સી. કલમ ૪૧ (૧)ડી મુજબ અટક કરી સીટી સી પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે. આગળની તપાસ સીટી સી પોલીસ સ્ટેશન કરશે.

વકીલ માનસતા જેલહવાલે

     જમીન માફિયાગીરી સાથે સંકળાયેલાં જામનગરના ગુજસીટોક કાયદા હેઠળના કેસમાંના ૧૪ આરોપીઓ પૈકીના વકીલ વી.એલ. માનસાતાના પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને અદાલતે જેલ હવાલે કર્યા છે.      આ કેસના અન્ય બે આરોપીઓ શેરબજારનો ધંધાર્થી પ્રફુલ પોપટ તથા વિદેશી ચલણનો ધંધાર્થી જિગર આડતીયા ૧૨-૧૨ દિવસના રિમાન્ડ પછી જેલ હવાલે છે. આ બંને આરોપીઓએ જેલમાંથી જમીન મેળવવા માટે અરજી કરેલી તથા વકીલ દ્વારા પણ જમીન અરજી કરવામાં આવી છે. આ ત્રણેય આરોપીઓની જમીન અરજીની સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે.

વિકાસકામોની મુલાકાતે પદાધિકારીઓ

     જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક રેલવે ઓવરબ્રિજ બની રહ્યાં છે. બંને બાજુ ૫૦૦ મિટર લંબાઇના એપ્રોચિસ બને છે. તેમાં ગડરનું કામ પણ ચાલુ છે.      ઢીંચડા ઝોનમાં રવિ પાર્ક ખાતેના ઇએસઆર હેઠળના નિલકંડ પાર્ક, તિરૂપતિનગર તથા દ્વારકાધીશ સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન ના કામો ચાલુ છે. જેમાં અંદાજે ૬૦૦૦ જેટલાં ધરોને નવજોડાણો આપી શકાશે.      તાજેતરમાં મેયર હસમુખભાઇ જેઠવા, સ્ટે. કમિટી ચેરમેન સુભાષભાઇ જોષી વગેરે દ્વારા આ કામોની મુલાકાત લેવામાં આવી ત્યારે, નાયબ ઇજનેર ભાવેશ જાની, ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર પી.સી. બોખાણી, નાયબ ઇજનેર અલ્પેશ ચારણીયા, સાઇટ ઇન્ચાર્જ ચેતન સાંગાણી, જૂનિયર ઇજનેર અશોક નિનામા વગેરે હાજર રહ્યા હતાં.

ઝાડની ડાળી કાંપતા રિક્ષા પર પડયો થાંભલો

     જામનગરના પવનચક્કી વિસ્તારમાં હાલારી ભાનુશાળી વાડીની સામેના એક વૃક્ષની ડાળી મહાનગરપાલિકાની ટીમ દ્વારા તોડવામાં આવી ત્યારે આ ડાળી વીજથાંભલા પર પડી, જેથી સ્ટ્રીટલાઇટનો થાંભલો ત્યાંથી પસાર થતી એક ઓટોરિક્ષા પર પડયો. રિક્ષામાં ડ્રાઇવર તથા ૮ વર્ષનો એક બાળક હતો. સદ્‌ભાગ્યે માથે થાંભલો પડયા પછી પણ કોઇ દુર્ધટના બની નથી. માત્ર રિક્ષાને નુકસાન થયું છે.      રિક્ષાને થયેલાં નુકશાન અંગે આજુબાજુના રહેવાસીઓ-રિક્ષાચાલક તથા મહાનગરપાલિકાની ટીમ વચ્ચે રકઝક થયેલી. બાદમાં કોર્પોરેટર કેતન નાખવાની દરમિયાનગીરીથી મામલો થાળે પાડયો હતો. રિક્ષાના નંબર જીજે-૨૩-ડબલ્યુ-૪૨૨૭ છે.

પિતા-પુત્રના અકસ્માતમાં મોત

     કાલાવડ રોડ પર ઠેબા-થાવરીયા વચ્ચેના માર્ગ પર ડબલ સવારી બાઇક તથા રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઇક પર અલિયાબાડા પાટિયા તરફ આવી રહેલાં રઘાભાઇ ધુડાભાઇ સિંધવ (ઉં.૪૫) તથા તેના પુત્ર અજયના (ઉં.૧૪) બાઇકને અકસ્માત નડતાં આ પિતાપુત્રના મોત નિપજ્યા છે. આઇઓસીના પમ્પિંગ સ્ટેશન નજીક આ ઘટના બનેલી. જો કે અકસ્માત સર્જનાર વાહન કયું હતું? તે હજૂ જાહેર થયું નથી. ટ્રિપલ અકસ્માત હોવાનું પણ કહેવાય છે. અકસ્માત સર્જનાર વાહન વિરૂધ્ધ હજૂ ગુનો નોંધાયો નથી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને અકસ્માત અંગે વિગતો મેળવી હતી.