મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑક્ટોબર 21, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

કોર્પોરેશનમાં ઢોલ વાગતાં શાસકપક્ષની આબરૂનો ફજેતો

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૪ માં નવાગામ ઘેડ વિસ્તારમાં પાછલાં પંદરેક દિવસથી કોર્પોરેશન દ્વારા લોકોને આપવામાં આવતું પિવાનું પાણી ગંદુ હોય છે. તેમા ગટરનું પાણી ભળેલું હોય છે! (આ પ્રકારની ફરિયાદો સમયાંતરે શહેરના વિવિધ વિસ્તારોમાં ઉઠે જ છે!) આ અંગે કોર્પોરેશન લોકોને સાંભળતી નથી, જવાબ નથી આપતી. ખુદ શાસકપક્ષના નગરસેવિકાના કામો નથી થતાં. મંગળવારે વોર્ડ નંબર ૩ ના નગરસેવિકા રચનાબેન નંદાણીયા કમિશનરને આ મુદે જગાડવા ઢોલ વગાડતાં કમિશનર કચેરીએ પહોંચ્યા હતાં. આ તકે ત્રસ્ત રહેવાસીઓ પણ સાથે રહ્યા. મહાનગરપાલિકામાં ઢોલ કલાકો સુધી વાગતાં શાસકપક્ષ તથા કમિશનરની પ્રતિષ્ઠાના ધજાગરા થયા હતાં.

રિવોલ્વર સાથે એક ઝડપાયો

     જામનગર એલસીબી પીઆઇ કે.જી. ચૌધરીના માર્ગદર્શન પ્રમાણે બે પીએસઆઇ ગોજિયા-દેવમુરારિની ટીમે માધવબાગ (સાંઢિયાપુલ પાસે) નજીકથી કરણ (કાળુ) ભીખાભાઇ કેશરિયા નામના શખ્સને રૂા. ૧ લાખની કિંમતની રિવોલ્વર તથા નવ કારતૂસ સાથે ઝડપી લીધો છે. મેાબાઇલ ફોન પણ કબજે લીધો છે. સ્ટાફના ફીરોઝભાઇ, વનરાજભાઇ, સંજયસિંહ, અશ્વિનભાઇ, ભરતભાઇ વગેરે આ કામગીરીમાં સાથે રહ્યા હતાં.

રિમાન્ડ દરમિયાન પિસ્તોલ મળી

     જયેશ પટેલ ગેંગના સાગરિત અનિયો લાંબો (અનવર અબ્દુલ ગઢકાઇ) રિમાન્ડ પર છે. એલસીબીએ રિમાન્ડ દરમિયાન મળેલી માહિતીના આધારે અનિયાના ઘરમાંથી રૂા. ૨૫૦૦૦ ની કિંમતની પિસ્તોલ, પાંચ કારતૂસ કબજે લીધાં છે. એલસીબી પીઆઇ કે.જી. ચૌધરીની સૂચના મુજબ પીએસઆઇ ગોજિયાની ટીમના સંજયસિંહ વાળા, અશ્વિન ગંધા, લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હીરેન વરણવા વગેરેએ કાર્યવાહી કરી હતી.

આવાસમાં કામગીરી મોકૂફ

     મહાનગરપાલિકાએ એરફોર્સ ટુ ગેઇટ નજીક સત્યમ કોલોની રોડ પર આવાસોમાં ગેરકાયદે કબજાવાળા આવાસો અંગે ૩ વર્ષ પહેલાં ચેકીંગ કર્યા પછી, ગત્ મંગળવારે આવા આવાસોનો કબજો મેળવવા કાર્યવાહી શરૂ કરી, જો કે આ કામગીરી વધુ એક વખત અઠવાડિયા માટે મોકૂફ રાખવામાં આવી છે! ગેરકાયદે કબજાવાળા આવા આવાસો ખાલી કરાવવાની કાર્યવાહીમાં મહાનગરપાલિકાનું તંત્ર વર્ષોનો વિલંબ શા માટે કરી રહ્યું છે? લોકોમાં જાતજાતની શંકાઓ પ્રવર્તી રહી છે.      મંગળવારે આ કાર્યવાહીનો પ્રારંભ સિટી ઇજનેર એસ.એસ. જોષીની આગેવાનીમાં મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમે કર્યો હતો.

મોટા થાવરિયા ગૌચરના દબાણ હટાવવાની કામગીરી મોકૂફ રાખવી પડી

     જામનગર નજીકના મોટા થાવરિયા ૮૦૦ થી ૯૦૦ વિઘા જેટલી ગૌચરની જમીનમાં "દબાણ" છે. આ દબાણ વર્ષોથી છે. મંગળવારે ટીડીઓ એમ.એસ. મેરજાની આગેવાની તાલુકા પંચાયત તથા રેવન્યૂના અધિકારીઓ પોલીસ કામફલો, બુલડોઝર લઇ દબાણ હટાવવા મોટા થાવરિયા ગયેલાં પરંતુ સ્થાનિક ગ્રામજનો (ખાસ કરીને મહિલાઓ) એ વિરોધ કર્યો. બુલડોઝર આગળ બેસી ગયા અંતે તંત્રની જાન લીલાં તોરણે પાછી ફરી!      માજી સરપંચ ગોરધન મકવાણા કહે છે: દબાણ હટાવવું હોય તો બધાં જ હટાવો, માત્ર દલિતોના દબાણો શા માટે હટાવો છો?      સામાકિ ન્યાય સમિતિના અધ્યક્ષ દિનેશ મકવાણા કહે છે: ગ્રામ પંચાયતને આ કામમાં વિશ્વાસમાં લેવામાં આવી નથી. ટીડીઓ મેરજાને દબાણો અંગે કશો ખ્યાલ જ નથી! તેમની પાસે ચોકકસ વિગતો પણ નથી!      અત્રે નોંધનિય છે કે, ગૌચરની જમીનમાં આ ગામમાં લોકો ખેતી કરે છે!!

જામનગરની આરોગ્ય સેવા માટે મુખ્યમંત્રી દ્વારા ઇ-લોકાર્પણ

     જામનગરની જી.જી. હોસ્પિટલના જૂના બિલ્ડીંગમાં સર્જરી વિભાગમાં કોરોના માટે ૨૩૨ બેડની નવી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં ૨૨ વેન્ટીલેટર છે. તમામ બેડમાં ઓકિસજનની વ્યવસ્થા છે. આ ઉપરાંત લિનિયર એકસીલેટરેટર, સિટી સિમ્યુલેટર, પલ્મોનરી કાર્ડિએક તયા આધુનિક એકસ-રે મશીનનું લોકાર્પણ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રીએ મંગળવારે સાંજે કયું<. મુખ્ય,મંત્રી સાથે આરોગ્યમંત્રી, મુખ્ય સચિવ, આરોગ્ય સચિવ ઉપસ્થિત રહ્યા હતાં.      આ કાર્યક્રમમાં જામનગર ખાતે મેયર હસમુખભાઇ જેઠવા, કલેકટર રવિશંકર, કમિશનર સતિષ પટેલ, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયા, ભાજપાના શહેર અધ્યક્ષ હસમુખભાઇ હીંડોચા વગેરે હાજર રહ્યા હતાં.      સ્વાગત પ્રવચન ડો. દિપક તિવારીએ તથા પ્રાસંગિક પ્રવચન ડો. નંદિની દેસાઇ, ડો. એસ.એસ. ચેટજી< દ્વારા કરવામાં આવ્યા હતાં.