જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ગુરૂવારે બપોરે ચેરમેન સુભાષભાઇ જોષીના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં કમિટીએ ૬૮૨ લાખના કામો અને ખર્ચને મંજુરી આપી છે. આ બેઠકમાં ડે. મેયર કરશન કરમૂર, કમિશનર સતિષ પટેલ, કમિટીના સભ્યો સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતાં. આ બેઠકમાં એલઇડી લાઇટ, વિવિધ વિસ્તારોમાં સિમેન્ટના બ્લોક, મધ્યાન ભોજન યોજના માટે પાંચ નાના વાહનો ખરીદી, પેન્શનર મંડળ તથા કોર્પોરેશન કર્મચારીઓની સોસાયટી માટે જગ્યાની ફાળવણી, આવાસ યોજનાઓમાં નળ જોડાણ માટે ડીપોઝીટમાંથી મુકિત, દિગ્જામ સર્કલ બાજુ ૭૪ લાખના ખર્ચે એપ્રોચ રોડ, શહેરના તમામ પાણીના ટાંકાઓમાં મેન્ટનેન્સના કામ, કેટલાક વોર્ડમાં ગટરના કામ, સિવિલના કામો, હોર્ડીગ્સ માટેની મંજૂરીઓ, બગીચાઓમાં સમારકામ તથા કોર્પોરેશનમાં કરાર આધારિત કર્મચારીઓની નોકરીની મુદતમાં વધારો વગેરે નિર્ણયો લેવામાં આવ્યા હતાં.