વડાપ્રધાનનાં જન્મદિન નિમિત્તે તાજેતરમાં મેયર અને કમિશનર સહિતના મહાનુભાવોએ સફાઇના ફોટાઓ પડાવ્યા હતા. ત્યારબાદ ગુલાબનગર નજીકનાં મોહનનગર આવાસના રહેવાસીઓએ અંજલિ ન્યૂઝ ને પોતાના વિસ્તારમાં ફોટાઓ મોકલ્યા છે અને લખ્યું છે કે, મહાનુભાવો આ વિસ્તારમાં ગંદકી અને રખડતાં પશુઓનાં ભયાનક ત્રાસ અંગે ધ્યાન આપતાં નથી. આ વિસ્તારમાં કોર્પોરેટરો નિષ્ક્રિય હોવાનું લોકોએ કહ્યું છે. આ વિસ્તારમાં ત્રણ મુખ્ય રોડની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. લોકોનો આક્રોશ એવો છે કે, મહાનુભાવો ફોટા પડાવવા સિવાય કશું કરતાં નથી. લોકોની સમસ્યાઓ અંગે ધ્યાન આપવું જોઈએ. મહાનુભાવો દેખાડો કરી રહ્યા છે, એવો પણ આક્ષેપ નગરજનોએ કર્યો હતો. મોહનનગર આવાસ નજીક ઓમ રેસિડેનસી સહિતના વિસ્તારોમાં આ પ્રકારની સમસ્યાઓ લાંબા સમયથી ચાલી આવે છે, અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી. છતાં કોર્પોરેશન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધ્યાન આપતાં નથી એવી નારાજગી લોકો વ્યક્ત કરી રહ્યા છે.