વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી હોય જુદાં જુદાં કર્મચારી સંગઠનો પડતર માંગણીઓ સંદર્ભે સરકાર સામે મોરચો ખોલી રહ્યા છે. શનિવારે જામનગરમાં સંખ્યાબંધ કર્મચારીઓએ પ્રદર્શન મેદાનથી કલેકટર કચેરી સુધી મહારેલી યોજી હતી અને પોતાની પડતર માંગણીઓ અંગે સ્થાનિક સત્તાવાળાઓને આવેદનપત્ર આપ્યું હતું. કર્મચારીઓએ જૂની પેન્શન યોજના પરત લાવવી, નવી પેન્શન યોજનાનો વિરોધ, સાતમા પગારપંચનો સંપૂર્ણ અમલ, ફીક્સ પગારથી નોકરીની પ્રથા બંધ કરવી વગેરે ૧૫ માંગણીઓનો પુનરોચ્ચાર આવેદનપત્રમાં કર્યો છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની જામનગર શાખાએ જણાવ્યું છે કે, આગામી સમયમાં ઝોન કક્ષાએ રેલી ઉપરાંત માસ સીએલ અને પેન ડાઉન તથા અચોક્કસ મુદ્દતની હડતાળ વગેરે કાર્યક્રમો સપ્ટેમ્બર મહીનામાં આયોજિત કરવામાં આવ્યા છે. આ રેલીમાં અગ્રણીઓ દિગ્વિજયસિંહ જાડેજા, ચંદ્રકાંત ખાખરીયા, સેજપાલ શ્રીરામ તથા યુવરાજસિંહ રાણા વગેરે જોડાયા હતાં. કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર બી.એન. ખેરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.