દર વર્ષે દિવાળીનાં પર્વો પહેલાંના સમયગાળામાં અખબારો અને ટીવી ગાજતા અને ગૂંજતા હોય છે કે, આગામી લાભપાંચમથી સરકાર ટેકાના ભાવે મગફળીની હોબેશ ખરીદી કરશે. આ માટે ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકે તે હેતુથી અગાઉથી તારીખો પણ જાહેર કરવામાં આવતી હોય છે. વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં માર્કેટ યાર્ડ મારફતે ટેકાના ભાવે ખરીદી માટેની વ્યવસ્થા સરકારી તંત્રો મારફતે ગોઠવવામાં આવતી હોય છે. સરકાર ખેડૂતોની સમૃદ્ધિ માટે રાતદિવસ કામ કરે છે, એ પ્રકારના પ્રચાર માટે બધાં જ સંબંધિતો ઓવરટાઈમ કરતાં હોય છે. ત્યારબાદ, વિવિધ યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી થતી રહે છે. દરમિયાન, ટેકાના ભાવ કરતાં ઉંચા ભાવે જાહેર હરાજીમાં પણ લાખો ટન મગફળી વેચાતી રહે છે. સારી મગફળી ખાનગી વેપારીઓ મારફતે ખરીદાતી રહે છે અને નબળી મગફળી, ઘણાં કિસ્સાઓમાં કૌભાંડનાં માધ્યમથી, સરકારી અધિકારીઓ ટેકાના ભાવે ખરીદતાં રહે છે. ખેડૂતોનાં ઘરોમાં ચિક્કાર નાણું ઠલવાતું રહે છે. તમે ક્યારેય વિચાર કર્યો છે કે, સરકારે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી સહિતની ખેત જણસો શા માટે ખરીદવી જોઈએ ?! જે ખેડૂતો આર...