મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

સપ્ટેમ્બર 18, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

નગરજનોની કોઈને ચિંતા નથી !: નગરમાં રખડતાં પશુઓ અને શ્વાનનો ભયાનક ત્રાસ

     જામનગરમાં રખડતાં પશુઓ અને શેરીઓમાં રખડતાં શ્વાનની સમસ્યા વિકરાળ બની હોવાં છતાં સૌ પોતપોતાનામાં વ્યસ્ત છે ! નગરજનોની કોઈને કશી ચિંતા નથી!      શનિવારે શહેરનાં બેડી વિસ્તારમાં કૂતરાંઓ કરડવાના ચારેક બનાવો બન્યા હતા. આ ઉપરાંત પંજાબ બેન્ક નજીકનાં ચૌહાણ ફળી વિસ્તારમાં ચાર- પાંચ જેટલાં કૂતરાંઓએ ૫૬ વર્ષનાં જનકબેન મુકેશભાઈ સોઢા નામનાં મહિલા પર હૂમલો કર્યો હતો. તેઓને મોંઢા, હાથ તથા શરીરનાં અન્ય અંગોમા ગંભીર ઈજાઓ પહોંચી છે. તેઓને જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે.      આથી પણ ગંભીર મુદ્દો એ છે કે, કોર્પોરેશનનાં અધિકારીઓ અને પદાધિકારીઓ તથા નગરસેવકો નગરજનોની આ પ્રકારની સમસ્યાઓ અંગે જરા પણ ગંભીર નથી ! નગરજનો નું કોઈ નથી ! છેક ચૂંટણી સમયે નગરજનોની જરૂર પડશે. ત્યાં સુધી બધું આમ જ ચાલતું રહેશે કે પછી નગરજનો ખુદ ચૂંટણી સમયે આ બધું યાદ રાખશે ?! આ પ્રશ્નનો જવાબ સમય આપશે.  

બેડી વિસ્તારમાં ચાર ને કૂતરાંઓ કરડયા !!!

     જામનગરમાં રખડતાં પશુઓ ઉપરાંત કૂતરાઓનો ત્રાસ છે. શહેરનાં બેડી વિસ્તારમાં બાળકો સહિત કુલ ચાર વ્યક્તિઓને કૂતરાં કરડવાના બનાવ બન્યા છે. આ ઈજાગ્રસ્તોને જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. નવાઈની વાત એ છે કે, કૂતરાઓના ત્રાસ મુદ્દે કોર્પોરેશન ચૂપ છે. વચ્ચે થોડાં દિવસો પૂરતાં ખસીકરણ અને રસીકરણ નાં નાટકો ચાલ્યા.      ઈજાગ્રસ્તોના નામો આ પ્રમાણે છે: રમઝાન રફીકભાઈ બુચડ ( ઉ. ૭), સુરેશ નારાયણભાઈ ( ૩૭), ઈસાભાઈ સીદીકભાઈ સેડાત (૬૭) અને સોહિલ હનીફભાઇ મલેક (૩૪).  

બેડીમાં ગેસ રિફીલિંગનું કૌભાંડ ધમધમતું હતું, હવે ઝડપાયું....

       જામનગરમાં બેડી વિસ્તારમાં ગેસનાં બાટલાઓ ગેરકાનૂની રીતે ભરી અને વેચવાનું મોટું કૌભાંડ જાહેર થયું છે. એસઓજીએ ૬૨ બાટલા તથા વજનકાંટા સહિતની ચીજવસ્તુઓ તેમજ એક છોટા હાથી ટેમ્પો અને એક રિક્ષા એમ કુલ રૂ. ૩,૩૦,૬૫૦ નો મુદ્દામાલ કબ્જે લીધો છે. પીએસઆઇ એ.એસ. ગરચરની ટીમે આ કામગીરી કરી હતી. આરોપીઓનાં નામો આ પ્રમાણે છે: કાસમ અજિત છેર ( મહાદેવ ગેસ એજન્સીનો ડીલેવરીમેન) , અબ્દુલ કરીમ કુરેશી, સિકંદર હાજી છેર - બંને ડ્રાઈવર તથા કાસમ અનવર મકવાણા નામનો મજૂર.      આ કૌભાંડ બેડી વિસ્તારમાં જુમા મસ્જિદ નજીક ઉમતઅલી દરગાહ પાસે ધમધમતું હતું.

કર્મચારી આંદોલનમાં બે ભાગ પડી ગયા, કેટલાંક સરકાર સાથે!!

       જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં વિવિધ વિભાગોનાં સરકારી કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. શનિવારે સરકારે જાહેર કર્યું કે, કર્મચારીઓ સાથે સમાધાન થયું. નવ લાખ કર્મચારીઓને લાભો આપવામાં આવ્યા. વાસ્તવિકતા અલગ છે, હજારો કર્મચારીઓનાં આંદોલન ચાલુ છે. જામનગરમાં જિલ્લા પંચાયતમાં હિસાબી, વહીવટી તથા આંકડા વિભાગનાં અંદાજે ૧૦૦ થી વધુ કર્મચારીઓ તથા અધિકારીઓ શનિવારે માસ સીએલ પર એટલે કે સામૂહિક રજા પર હતાં. આંદોલન સમેટાયું નથી. કર્મચારીઓની સંખ્યાબંધ માંગણી સ્વીકારવામાં આવી નથી. જામનગરમાં કર્મચારીઓનાં જાણીતાં આગેવાનો શનિવારે આખો દિવસ ગૂમ રહ્યા. લાલપુર તાલુકાના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી આર.ટી. જાડેજાની આગેવાનીમાં કર્મચારીઓએ આંદોલન ચાલુ રાખ્યું છે. હજુ આંદોલન ચાલુ જ રહેશે.

આઉટસોર્સનાં હજારો કર્મચારીઓ પણ હડતાળ પર !!

     જામનગર સહિત રાજ્યભરમાં આઉટસોર્સનાં હજારો કર્મચારીઓ સરકારથી નારાજ છે. તેઓનું વર્ષોથી આર્થિક શોષણ થાય છે. પગાર પૂરો આપવામાં આવતો નથી, નિયમિત આપવામાં આવતો નથી, પગારવધારો આપવામાં આવતો નથી. સરકારે નીમેલી કોન્ટ્રાકટર એજન્સીઓને ઘી કેળા છે અને કર્મચારીઓનું બેફામ શોષણ થાય છે. શનિવારે આ બધાં કર્મચારીઓએ સ્થાનિક સત્તાવાળાઓને આવેદનપત્ર આપ્યું હતું.  

જામનગરમાં બેરોજગારી દિન ઉજવવામાં આવ્યો

       જામનગરમાં ૧૭ મી સપ્ટેમ્બરે ( વડાપ્રધાનનો જન્મ દિવસ) જામનગર યુવક કોંગ્રેસ તથા જિલ્લા એનએસયુઆઈ દ્વારા રોજગાર કચેરી નજીક બેરોજગારી દિવસ ઉજવવામાં આવ્યો. જેમાં બેરોજગારો પણ જોડાયા હતાં.      આ તકે શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ તૌસિફખાન પઠાણ, શક્તિસિંહ જેઠવા, જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ મહિપાલસિંહ જાડેજા વગેરે જોડાયા હતાં.

અંગદાન જાગૃતિ માટે શપથવિધિ સમારોહ

     જામનગરમાં શનિવારે જીજી હોસ્પિટલમાં નવી ઈમારત ખાતે નર્સિંગ સ્ટાફ, ખાનગી નર્સિંગ કોલેજની છાત્રાઓ વગેરે દ્વારા અંગદાન જાગૃતિ માટે શપથવિધિ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ તકે દર્દીઓની સેવા સુવિધાઓ ખોરવાય નહીં તે ધ્યાનમાં રાખી આ કાર્યક્રમ માત્ર ૧૫ મિનિટ પૂરતો યોજવામાં આવ્યો હતો.  

સાગર સ્વચ્છતા અભિયાન

     સાગર ભારતી નામની સંસ્થાનાં કાર્યકરો અને અન્ય યુવાનોએ શનિવારે વડાપ્રધાન નાં જન્મ દિવસની ઉજવણી રૂપે જામનગરમાં નવા બંદર વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. દેશભરમાં આ પ્રકારના કુલ ૭૫ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. આ તકે સાગર ભારતી સંસ્થાના ૫૦૦ લોકો સાથે મળીને દરીયા કાંઠાની સફાઇ કરી હતી. તેઓ મિડીયાને જણાવ્યું હતું કે, દરિયા કાંઠે ફરવા આવતાં લોકો જો કચરાનો યોગ્ય નિકાલ કરે તો આવા સફાઇ અભિયાનની જરૂરીયાત ના પડે.  

વડાપ્રધાન જીવનકવન સંબંધે પ્રદર્શની યોજવામાં આવી

       શનિવારે જામનગરમાં વડાપ્રધાનનાં જન્મદિન નિમિત્તે તળાવ ની પાળે સવારનાં સમયે જામનગર ભાજપા દ્વારા વડાપ્રધાન નાં જીવન કવન, કામો સંબંધે એક પ્રદર્શન ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. આ તકે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, પૂર્વ મંત્રી વસુબહેન ત્રિવેદી, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા તથા આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા કાર્યક્રમો યોજવામાં આવ્યા....

     જામનગરમાં શનિવારે માતૃશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ (પ્રમુખ રિવાબા જાડેજા) દ્વારા વોર્ડ નંબર ૧,૨ અને ૧૫ માં વડાપ્રધાન નાં જન્મ દિવસની ઉજવણી નિમિત્તે સ્વચ્છતા અંગેનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. આ તમામ વિસ્તારોમાં જાહેરમાં પડેલ કચરો ઉપડી સફાઇ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ તકે કમિશનર વિજયકુમાર ખરાડી ઉપસ્થિત રહ્યા હતાં. રિવાબા જાડેજા તથા કમિશનર વિજયકુમાર ખરાડીએ પણ કચરો ઉપાડયો હતો.    

પદયાત્રીઓને ભાવભરી વિદાય આપવામાં આવી...

     જામનગરમાં શનિવારે રાજપૂત સમાજના આશાપુરા પદયાત્રી સંઘનાં ભાવિકો માતાનાં મઢ જવા રવાના થયા. આ પદયાત્રીઓને સુભાષ માર્કેટ નજીક આવેલ નાના આશાપુરા માતાજીના મંદિર ખાતે પદયાત્રીઓને ફુલહાર કર્યા હતાં. આણદાબાવા આશ્રમનાં મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ તથા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા વગેરેએ આ પદયાત્રીઓને ભાવભરી વિદાય આપી હતી. સંઘમાં અંદાજે પાંચસોથી છસ્સો જેટલાં પદયાત્રીઓ જોડાયા હતાં.  

વડાપ્રધાનનાં જન્મદિન નિમિત્તે જામનગરમાં ધારાસભ્ય દ્વારા સેવાકીય-ધાર્મિક કાર્યક્રમો....

     શનિવારે ૧૭ મી સપ્ટેમ્બરે જામનગરમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા વડાપ્રધાનનાં જન્મદિન નિમિત્તે ઓશવાળ સેન્ટર ખાતે બે કાર્યક્રમો યોજવામાં આવ્યા. જેમાં રક્તદાન શિબિર યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં રક્તદાન થયું. આ ઉપરાંત શ્રેષ્ઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં શહેરના અગ્રણી ગણેશ મહોત્સવ મંડળોએ ભાગ લીધો હતો. આ બંને કાર્યક્રમોમાં શહેર ભાજપાનાં અગ્રણીઓ, હોદેદારો તથા કાર્યકરો ઉપરાંત રાજપૂત સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં અને રક્તદાન કર્યું હતું. મહિલાઓએ પણ નોંધપાત્ર સંખ્યામાં રક્તદાન કર્યું હતું.  

વડાપ્રધાનનાં જન્મદિન નિમિત્તે જામનગરમાં સાંસદ દ્વારા સેવાકીય પ્રકલ્પો....

     શનિવારે ૧૭ સપ્ટેમ્બરે વડાપ્રધાનનો જન્મ દિવસ હતો તે નિમિત્તે સાંસદ પૂનમબેન માડમ દ્વારા હરિયા કોલેજ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ તથા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વરોગ નિદાન કેમ્પ શનિ-રવિવાર બે દિવસ માટે યોજવામાં આવ્યો. આ તકે ભાજપાનાં સર્વે અગ્રણીઓ અને કાર્યકરો તથા શહેરનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નિદાન કેમ્પમાં દર્દીઓને જરૂરિયાત મુજબ દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી છે. રક્તદાન શિબિરમાં ભાજપાનાં હોદેદારો, કાર્યકરો અને યુવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું.