આઝાદી-સ્વતંત્રતા આપણને, ભારતીયોને, મફતમાં નથી મળી. આઝાદી પછી જન્મેલાં કરોડો લોકો આદાઝીનું ખરૂં મહત્વ સમજતાં નથી! સ્વતંત્રતા માટે ભારત સહિત વિશ્વનાં સંખ્યાબંધ રાષ્ટ્રોમાં કરોડો માનવો જીવતાં "આગ" મા કૂદયા છે! પોતે દાઝયા છે! સળગ્યા છે! જીવતાં ભડથું થયાં છે. શહીદ થયાં છે. રાષ્ટ્ર માટે જીવ, જિંદગી, સ્વજનો, લાગણી, મોહ-સ્વની ખુશી, બધું જ ન્યોછાવર કર્યું છે. પોતાના પ્રાણોની આહૂતિ આપી છે. તબ જાકે હમ આઝાદ હૂએ હૈ. આજે આપણે લોકશાહીનાં મુકત વાતાવરણમાં શ્વાસ લઇ શકીએ છીએ, તે લાખ્ખો દેશવાસીઓની "શહાદત" ને આભારી છે. નહીંતર, કદાચ, આજે પણ આપણે કેડેથી વાંકા વળી, અદબ વાળી, નજર નીચે ઝૂકાવી, વિદેશી શાસકો સમક્ષ રૈયત બની ઉભાં હોત. આઝાદી અમૂલ્ય ચીજ છે, અમૃત મહોત્સવની વેળાએ, આપણે સૌ આ યાદ રાખીએ. નવલોહીયા યુવક-યુવતીઓ લાખ્ખો દેશ, બાંધવો, ભગિનીઓ, વડીલોએ આપણી "આઝાદ" જિંદગી માટે પોતાની જિંદગીને હસતે મોંએ, સામી છાતીએ મોતની ચાદર ઓઢાડી છે. આ આઝાદ, મહામૂલી આઝાદીનું આપણે સૌ જીવની માફક જતન કરીએ. આપણાં શહીદો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને એ સૌને ઘરમાંથી પ્રોત્સાહન આપનાર કરોડો દેશવાસીઓનાં આપણે...