પ્રતિકાત્મક ચિત્ર દેશનું રાજકીય પાટનગર દિલ્હી, દેશની આર્થિક રાજધાની મુંબઈ, દેશનું સૌથી ગીચ મેગાસિટી કોલકાતા, દેશનું એડવાન્સ લેખાતું શહેર ચેન્નાઈ અને દેશનું IT હબ-સિલિકોન વેલી બેંગલોર, આ બધાં જ મેગાસિટી બે સામ્યતાઓ ધરાવે છે. આ પાંચેય મેટ્રો શહેરોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ- કોર્પોરેશન અબજો રૂપિયાનાં વાર્ષિક બજેટ અને તોતિંગ કેપિટલ ખર્ચ ધરાવે છે. બીજી સામ્યતા -ચોમાસામાં આ પાંચેય મેટ્રો શહેરો જળસમાધિ લ્યે છે ! આઝાદીનો અમૃત મહોત્સવ પૂર્ણ થઈ ચૂક્યો છે ત્યારે પણ દેશની પ્રતિષ્ઠાના હાલ આ છે, બેહાલ છે. વ્યવસ્થાઓ મજબૂત બનાવવી અનિવાર્ય છે. આપણે ગ્લોબલ સ્ટાન્ડર્ડ ફોલો કરવા - સેટ કરવા મેટ્રો શહેરો માટે અલાયદી ડેવલપમેન્ટ પોલિસી રચવી પડશે. એ પ્રમાણે એક્શન પ્લાન બનાવવા પડશે. પ્લાનનું અમલીકરણ કરવું પડશે અને એ પણ વાજબી ખર્ચથી તથા સમયબદ્ધ રીતે. આ શહેરો આપણને ગ્લોબલ અને નેશનલ સ્તરે નીચાજોણું કરાવે, એ ન પાલવી શકે. આ મેટ્રો શહેરોમાં વરસાદી પાણીના નિકાલ માટે સરળ, સફળ, તાર્કિક અને ઝડપી વિશ્વસ્તરીય વ્યવસ્થા ગોઠવવામાં ખૂટે છે...