મુખ્ય સામગ્રી પર જાઓ

આઝાદીની સુવર્ણજયંતિ ટાણે પણ, આપણે આટલાં જ રેઢિયાળ હોઈશું ?!

પ્રતિકાત્મક ચિત્ર 

    દેશનું રાજકીય પાટનગર દિલ્હી, દેશની આર્થિક રાજધાની મુંબઈ, દેશનું સૌથી ગીચ મેગાસિટી કોલકાતા, દેશનું એડવાન્સ લેખાતું શહેર ચેન્નાઈ અને દેશનું IT હબ-સિલિકોન વેલી બેંગલોર, આ બધાં જ મેગાસિટી બે સામ્યતાઓ ધરાવે છે.

    આ પાંચેય મેટ્રો શહેરોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ- કોર્પોરેશન અબજો રૂપિયાનાં વાર્ષિક બજેટ અને તોતિંગ કેપિટલ ખર્ચ ધરાવે છે. બીજી સામ્યતા -ચોમાસામાં આ પાંચેય મેટ્રો શહેરો જળસમાધિ લ્યે છે !

    આઝાદીનો અમૃત મહોત્સવ પૂર્ણ થઈ ચૂક્યો છે ત્યારે પણ દેશની પ્રતિષ્ઠાના હાલ આ છે, બેહાલ છે. વ્યવસ્થાઓ મજબૂત બનાવવી અનિવાર્ય છે. આપણે ગ્લોબલ સ્ટાન્ડર્ડ ફોલો કરવા - સેટ કરવા મેટ્રો શહેરો માટે અલાયદી ડેવલપમેન્ટ પોલિસી રચવી પડશે. એ પ્રમાણે એક્શન પ્લાન બનાવવા પડશે. પ્લાનનું અમલીકરણ કરવું પડશે અને એ પણ વાજબી ખર્ચથી તથા સમયબદ્ધ રીતે. આ શહેરો આપણને ગ્લોબલ અને નેશનલ સ્તરે નીચાજોણું કરાવે, એ ન પાલવી શકે.

    આ મેટ્રો શહેરોમાં વરસાદી પાણીના નિકાલ માટે સરળ, સફળ, તાર્કિક અને ઝડપી વિશ્વસ્તરીય વ્યવસ્થા ગોઠવવામાં ખૂટે છે શું ?! આપણે સતાની સંગીતખુરશીઓ પાછળ જ રઘવાયા રહીશું તો આઝાદીનાં સુવર્ણ મહોત્સવ અવસરે, ૨૦૪૭ માં પણ આપણે આવાં જ રેઢિયાળ રહી જઈશું! આપણે તકલાદી અને અસંતુલિત વિકાસ પાછળ શા માટે દોડીએ છીએ ? આપણે બુડથલો તો નથી ને ?! આત્મચિંતન કરવું પડશે.

    આપણે, કમ-સે-કમ આ મેટ્રો શહેરોમાં, વરસાદી પાણીના નિકાલને અવરોધરૂપ દબાણો આજે જ હટાવવા પડશે, any how. આપણે ડ્રેનેજ સિસ્ટમ ટનાટન બનાવવી પડશે. આ શહેરોમાં જૂનાં અને નવાં વિસ્તારો વચ્ચે આ સંદર્ભમાં એક સંતુલન સ્થાપવું પડશે. આપણું ટાઉન પ્લાનિંગ દાયકાઓ પુરાણું રહેશે તો આપણે નવી દુનિયા સાથે કદમ કેવી રીતે મિલાવી શકીએ ? આપણે નગરસેવકોનો IQ ઉંચો લઈ જવો પડશે. વેંતિયાઓને હવાલે મેટ્રો શહેરો ન રહેવા જોઈએ. બાહોશ અધિકારીઓની પસંદગી કરવા આપણાં નેતાઓએ અહમ્ અને સ્વાર્થ બાજુ પર મૂકવા પડશે. અને, કોર્પોરેશનમાં પદાધિકારીઓની નિયુક્તિ કવોલિટીબેઈઝ નહીં કરીએ તો બધી જ કસરતો પાણીઢોળ થશે !

    નાગરિકોને આપણે સ્વચ્છતાના આગ્રહી બનાવવા પડશે. જરૂર પડ્યે બધાં જ અર્થોમાં તેઓને પાઠ ભણાવવા પડશે. આપણાં તમામ સ્તરના નેતાઓનું સ્તર સુધરે તો જ તેઓ કામ પ્રત્યે કમિટેડ પૂરવાર થઈ શકે.

અંગૂઠાછાપો અને લબાડો રાજકારણની મેઈનસ્ટ્રીમને અભડાવે નહીં, એ તકેદારી રાખવી પડશે. તેઓને બે વિકલ્પ આપો: લાયકાત મુજબ કામ કરો અથવા પક્ષ છોડી જતાં રહો. નાગરિકો જાગૃત બની ચૂક્યા છે. મતદારોએ સિસ્ટમને બોજારૂપ અગ્રણીઓને ઘરે બેસાડવા જોઈએ. સિસ્ટમને અપડેટ કરવા મતદારોનું કેલિબર ઉંચે લઇ જવું પડશે. પરજાને શિક્ષિત કરવી પણ અનિવાર્ય બની ચૂક્યું છે. જો પરજા જ લઘરવઘર રહેશે તો, સ્ટાન્ડર્ડ મહાનુભાવો આકાશમાંથી ટપકશે ?

    મેટ્રો શહેરો સહિત સમગ્ર રાષ્ટ્રમાં રાતોરાત કશું જ શક્ય ન બને તે સમજી શકાય તેવી બાબત છે. પરંતુ આઝાદીનાં અમૃત મહોત્સવ ટાણે આપણે જે ત્રાસદીમાંથી પસાર થઈ રહ્યા છીએ, એ જ ત્રાસદી જો આપણે ૨૦૪૭ માં પણ જખ મારીને સહન કરવાની હોય તો મને કહેવા દો - આપણે અલાયક જ નહીં, નાલાયક પરજા છીએ. આપણે નાગરિકો નથી. આપણી હવે પછીની પેઢી આપણાં જેવી ન પાકે, સુખી થાય, ખુશ રહે, જિંદગી અને આઝાદી માણે - એ જોવું આપણું કર્તવ્ય છે. આપણાં વડવાઓએ ખાસ ધ્યાન આપ્યું નથી, આપણે ભૂલો દોહરાવીએ નહીં. 

અસ્તુ.




ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...