જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ નજીક આવેલ ગણેશ ફળીમાં પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને સંગીતના સૂરો સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ફરીથી આ શોભાયાત્રા હવાઈ ચોક થઈને શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના યુવાનો ભગવા ધ્વજ સાથે જોડાયાં હતાં. પ્રણામી ગ્લોબલ સ્કૂલના એનસીસીના કેડેટસ પણ જોડાયા હતાં. શોભાયાત્રા સમિતિના કિંજલ કારસરીયા અને મહેશ જોબનપુત્રા તેમજ યુવા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના સ્વયંસેવકોએ 15 જેટલા વિવિધ ફ્લોટસો તૈયાર કર્યા હતા જેમાં મહામતી શ્રી પ્રાણનાથજીના જીવન ચરિત્રની વિવિધ ઝાખીઓ અને ભગવાન શ્રી કૃષ્ણ તેમજ શ્રી રાજશ્યામજી (રાધા કૃષ્ણ) તેમજ પૂજ્ય કૃષ્ણમણીજી મહારાજના રથ ઉપરાંત ખાસ બગી સાથે શોભાયાત્રામાં જોડાયા હતા. શ્રી પ્રાણનાથ પ્રાગટ્ય મહોત્સવ દરમ્યાન નીકળેલી શોભાયાત્રામાં ઠેર ઠેર મહાનુભાવો અને સંસ્થાઓ દ્વારા સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને ઉમંગ ઉત્સાહ સાથે પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા સંપન્ન થઈ હતી.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો