જામનગર મહાનગરપાલિકાની બે મહિને એક વખત યોજાતી જનરલ બોર્ડની બેઠક બુધવારે બપોરે ટાઉનહોલ ખાતે યોજવામાં આવી હતી, જેમાં લમ્પી રોગચાળાની કોઈ જ ચર્ચા કરવામાં આવી નહીં. શાસકપક્ષ જાણીજોઈને દૂર રહ્યો હશે ?! બોર્ડના એજન્ડામાં આ વિષય જ નહીં. અને, વિપક્ષ આ રોગચાળો બોર્ડમાં ભૂલી ગયો. વિપક્ષનાં નગરસેવિકા રચનાબેન નંદાણિયા લમ્પી રોગચાળાગ્રસ્ત ગાયનાં ગેટઅપમાં બોર્ડમાં આવ્યા. પરંતુ બોર્ડમાં આ વિષય સાવ અનટચ રહ્યો.
આ ઉપરાંત જનરલ બોર્ડની બેઠકમાં TP સ્કીમ અંગેની એક આઈટમ એજન્ડા આઈટમ તરીકે હાથ પર લેવામાં આવી હતી. જેમાં શાસકપક્ષે એમ જણાવ્યું હતું કે, જામનગરનાં નવા હદ વિસ્તારમાં TP સ્કીમ બનાવવા અંગે સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવે છે. આ મુદ્દે વિપક્ષના નેતા આનંદ રાઠોડે ગૃહમાં એમ જણાવ્યું હતું કે, TP સ્કીમ મંજૂર થાય તે સારી બાબત છે પરંતુ ત્યારબાદ સ્કીમના અનુસંધાને મહાનગરપાલિકાએ લોકોની સેવા સુવિધાઓ માટે જે ઝડપે વ્યવસ્થાઓ ઉભી કરવાની હોય છે તેમાં મહાનગરપાલિકા ધ્યાન આપતી નથી. વિપક્ષની આ ટિપ્પણી બાદ પદાધિકારીઓ કે અધિકારીઓ દ્વારા કોઈ જ જવાબ આપવામાં આવ્યો ન હતો, શાસકપક્ષે કોઈ જ બચાવ કર્યો ન હતો.
મહાનગરપાલિકાનાં વિપક્ષનાં પૂર્વ ઉપનેતા ફૂરકાન શેખ વિરુદ્ધ હાલમાં લાંચ કેસની કાર્યવાહી ચાલી રહી છે. એ દરમિયાન શાસકપક્ષ દ્વારા કમિશનર મારફતે જનરલ બોર્ડમાં એવી દરખાસ્ત લાવવામાં આવી હતી કે, ફૂરકાન શેખને નગરસેવકપદે ગેરલાયક ઠેરવવા રાજ્ય સરકારમાં ફાઈલ-દરખાસ્ત મોકલવામાં આવે. શાસકપક્ષની આ હિલચાલનો વિપક્ષે જોરદાર પ્રતિકાર કર્યો હતો. વિપક્ષ વતી નગરસેવકો અલ્તાફ ખફી તથા અસ્લમ ખિલજીએ ગૃહમાં જણાવ્યું હતું કે, શાસકપક્ષની આ દરખાસ્ત વાજબી નથી. ફૂરકાન શેખને કોઈ અદાલત દ્વારા આ કેસમાં દોષિત અથવા ગુનેગાર જાહેર કરવામાં આવ્યા નથી. મામલો હાલ અદાલતમાં છે. શાસકપક્ષે શા માટે ઉતાવળ કરવી પડે છે ? અને, આ ખોટી પરંપરા દાખલ કરવામાં આવશે તો ભવિષ્યમાં કોઈ પણ સભ્ય ( શાસકપક્ષના અથવા વિપક્ષનાં) પરેશાન થઈ શકે છે. માટે આ દરખાસ્ત પરત ખેંચી લેવામાં આવે એવી અમારી માંગણી છે, એવું આ બંને સભ્યોએ ગૃહમાં જણાવ્યું હતું.
આ ઉપરાંત ફૂરકાન શેખે ગૃહમાં એમ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાનાં જે કિસ્સાને આધાર બનાવીને આ દરખાસ્ત લાવવામાં આવી છે, સુરતનાં એ કિસ્સામાં નગરસેવિકાની ટર્મ પૂરી થઈ ગઈ ત્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈ જ નિર્ણય જાહેર કરવામાં આવ્યો ન હતો. જામનગરમાં જે દરખાસ્ત લાવવામાં આવી છે એમાં શાસકપક્ષે એ સ્પષ્ટ કર્યું નથી કે, આ દરખાસ્ત પ્રોસિકયૂશનની મંજૂરી માટે છે કે, નગરસેવકપદેથી ગેરલાયક ઠરાવવા માટેની ?! આ ઉપરાંત ફૂરકાન શેખે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા આ લાંચ કેસમાં જજની ભૂમિકા ન ભજવી શકે. મારાં પર માત્ર FIR થઈ છે, માત્ર આક્ષેપ છે. આક્ષેપ અદાલતમાં પૂરવાર નથી થયો. અદાલતનાં આદેશનો ઈંતજાર કરો અને આ દરખાસ્ત હાલ pending રાખવી જોઈએ.
આ મુદ્દે શાસકપક્ષ વતી જવાબ આપતાં કમિશ્નરે ગૃહમાં જણાવ્યું હતું કે, આ દરખાસ્ત ગૃહના ૩/૪ સભ્યોનાં સંતોષ માટે છે. કોઈ પ્રકારની સજાનો આદેશ નથી. સજા કરવા માટેની દરખાસ્ત નથી.
મેયરે આ મામલે વિપક્ષને એમ જણાવ્યું કે, તમારે જે રજૂઆતો અને દલીલો કરવી હોય, તે રાજ્ય સરકાર સમક્ષ કરજો.
અંતે, શાસકપક્ષે ફૂરકાન શેખ વિરુદ્ધની આ દરખાસ્ત બહુમતીથી પસાર કરવાનો નિર્ણય લેતાં વિપક્ષ દ્વારા ગૃહનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને વિપક્ષી સભ્યોએ જામનગરનાં મેયર હાય હાય એવાં નારાઓ લગાવ્યા હતા.
વિપક્ષનાં વોકઆઉટ પૂર્વે ફૂરકાન શેખ પ્રકરણમાં નગરસેવિકા જેનબબેન ખફીએ પણ ચર્ચામાં ભાગ લીધો હતો. તેઓએ પૂછેલું કે, સુરતનાં જે કિસ્સાનો ઉલ્લેખ કરીને આ દરખાસ્ત લાવવામાં આવી છે, સુરતનાં એ કિસ્સામાં છેલ્લે શું બન્યું હતું ? આ પ્રશ્નનો જવાબ શાસકપક્ષ અથવા કમિશનર આપી શક્યા ન હતાં.
ગૃહની સમગ્ર કાર્યવાહી દરમિયાન શાસકપક્ષના એક પણ સભ્યે ચર્ચામાં ભાગ લીધો ન હતો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો